બાળ ઠાકરેના ખરા વારસદાર કોણ?

28 January, 2020 10:09 AM IST  |  Mumbai

બાળ ઠાકરેના ખરા વારસદાર કોણ?

મનસેએ થાણેમાં લગાવેલું ‘રાજ ઠાકરે ખરા વારસદાર’નું હોર્ડિંગ્સ.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ હિન્દુત્વનો એજન્ડા હાથ પર લીધા બાદથી પક્ષના કાર્યકરો આક્રમક બન્યા છે. તેમણે થાણેમાં ‘સાહેબના ખરા વારસદાર હિન્દુ હૃદયસમ્રાટ રાજ ઠાકરે’નાં બૅનર લગાવતાં ખળભળાટ મચી ગયો છે.

મનસેના થાણે જિલ્લાઅધ્યક્ષ અવિનાશ જાધવે આ બૅનર લગાવ્યાં હોવાથી આવાં બૅનરથી થાણેમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ૨૩ જાન્યુઆરીએ બાળ ઠાકરેની જયંતી નિમિત્તે મનસેના મહાઅધિવેશનમાં મનસેએ ઝંડો બદલવાની સાથે પોતાની રાજકીય ભૂમિકા બદલીને આગામી કાળમાં પક્ષની ભૂમિકા હિન્દુત્વની રહેવાનું રાજ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું.

મનસેના આવા વલણથી હવે શિવસેના-મનસે વચ્ચે રાજકારણ ગરમાવાની શક્યતા જોવાઈ રહી છે ત્યારે થાણેમાં બાળ ઠાકરેના સાચા વારસદાર રાજ ઠાકરે જ હોવાનાં બૅનર લગાવવાથી રાજ્યમાં આગામી સમયમાં શિવસેના વિરુદ્ધ મનસેની લડાઈ જામવાનું સ્પષ્ટ થયું છે.

આ વર્ષે નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી અને થાણે જિલ્લાની કેટલીક મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ છે. આમાં અત્યારે મોટા ભાગે શિવસેનાની સત્તા છે. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો મનસે શિવસેનાને સીધો પડકાર આપશે એવું લાગી રહ્યું છે.

અવિનાશ જાધવે કહ્યું કે ‘ઉદ્ધવ ઠાકરેએ સત્તાના લોભમાં જે કર્યું છે એનાથી હિન્દુઓનો તેમના પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. હવે તેઓ અયોધ્યાય જાય કે રામસેતુ બાંધે, હિન્દુ જનતા હવે રાજ ઠાકરે સાથે છે અને રાજસાહેબ બાળાસાહેબ ઠાકરેના ખરા વારસદાર છે.’

આ પણ વાંચો : ભિવંડી નજીક રૉન્ગ સાઇડથી આ‍વનાર ટ્રકે પાછળથી મારી ટક્કર

શિવસેનાનું નેતૃત્વ આધુનિક અફઝલ ખાન

શિવસેનાએ ‘સામના’ના મુખપત્રના માધ્યમથી રાજ ઠાકરેને નિશાન બનાવ્યા બાદ મનસેના નેતાએ ટ્‌વિટરના માધ્યમથી જોરદાર જવાબ આપ્યો છે. મનસેના નેતા સંદીપ દેશપાંડેએ શિવસેનાના નેતૃત્વનો ઉલ્લેખ સીધો આધુનિક અફઝલ ખાન હોવાનો કર્યો છે. આધુનિક અફઝલ ખાને મરાઠી અને હિન્દુઓની પીઠમાં ખંજર ભોંક્યું છે. આ વાત રાજ ઠાકરેએ કરતાં શિવસેનાના મુખપત્રના તંત્રીલેખમાં સેનાના પેટમાં તેલ રેડાયું હોવાનું જણાઈ આવે છે. શિવસેનાએ આની ચિંતા કરવાની જરૂર નથી, તેમના પેટના દુખાવાની સારવાર અમે જ કરીશું.’

maharashtra navnirman sena raj thackeray bal thackeray mumbai news mumbai thane