ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ટનલ પ્રોજેક્ટ માટે ૯૫ ઝાડ કાપવાની સુપ્રીમ કોર્ટે BMCને મંજૂરી આપી

17 August, 2025 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એની સામે BMCએ ફરજિયાતપણે વૃક્ષો વાવીને જંગલ ઊભું કરવું પડશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ટનલ બનાવવા માટે આરેનાં ૯૫ ઝાડ કાપવા માટે સુપ્રીમ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને મંજૂરી આપી દીધી છે. એની સામે BMCએ ફરજિયાતપણે વૃક્ષો વાવીને જંગલ ઊભું કરવું પડશે.

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રી ઑથોરિટીએ BMCને ૭૦ ઝાડ કાપવાના અને ૨૫ ઝાડને બીજી જગ્યાએ વાવવાના બદલામાં ફરજિયાતપણે જંગલ ઊભું કરવા માટે ૧૩૪૪ ઝાડ વાવવાનો આદેશ આપ્યો હતો. એને ધ્યાનમાં રાખીને મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈ અને ન્યાયાધીશ વિનોદ ચંદ્રનની ખંડપીઠે BMCને ૯૫ ઝાડ કાપવાની મંજૂરી આપી હતી. ઉપરાંત BMCએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા કરાવવામાં આવેલા સર્વે મુજબ ગોરેગામ-લિન્ક રોડ પ્રોજેક્ટ માટે એવો માર્ગ પસંદ કરાયો છે જેમાં સૌથી ઓછાં એટૈલે કે કુલ ૧૧૩૪ વૃક્ષોને નુકસાન થાય.

૨૯ જુલાઈએ સુપ્રીમ કોર્ટે BMCને આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે લીલી ઝંડી આપી હતી, પરંતુ ફરજિયાતપણે જંગલ ઊભું કરવા માટેના વિકલ્પની શક્યતાઓ ચકાસવા માટે અદાલતે સમય માગ્યો હતો. આ બાબતે આગામી સુનાવણી ૬ સપ્તાહ પછી થશે.  

goregaon mulund link road brihanmumbai municipal corporation supreme court maharashtra news maharashtra mumbai mumbai news