મિડ-ડેના ફોટોજર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનાર એક પોલીસ જવાન સસ્પેન્ડ

12 February, 2020 07:46 AM IST  |  Mumbai | Anurag Kamble

મિડ-ડેના ફોટોજર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનાર એક પોલીસ જવાન સસ્પેન્ડ

છેવટે ન્યાય મળ્યો : ગયા ગુરુવારે નાગપાડા વિસ્તારમાં વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે ગયેલા ‘મિડ-ડે’ના ફોટોજર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનારા પોલીસ જવાનો સામે કાર્યવાહી સંદર્ભે મંત્રાલયમાં ગૃહપ્રધાન સાથે મુલાકાત યોજાઈ હતી. તસવીરમાં અનિલ દેશમુખ અને જૉઇન્ટ પોલીસ કમિશનર વિનય ચૌબે સાથે આશિષ રાજે.

નાગરિકતા કાયદા સામે મધ્ય મુંબઈના નાગપાડા વિસ્તારમાં વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે ગયેલા દૈનિક અખબાર ‘મિડ-ડે’ના ફોટોજર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનારા બે પોલીસ જવાનો સામે કડક પગલાં લેવાંમાં આવ્યાં છે. રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગયા ગુરુવારની એ ઘટનામાં સંડોવાયેલા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામ બોરસેને સસ્પેન્ડ કરવા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અઝીમ શેખનો પ્રોબેશન પિરિયડ વધારવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ પોલીસે કરેલી ઘટનાની તપાસમાં બન્ને દોષી જણાયા હતા.

ગઈ કાલે મંત્રાલયમાં આશિષ રાજે તથા પત્રકાર સંગઠનોના આગેવાનો સાથે મુલાકાત દરમ્યાન ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે તપાસમાં એ ઘટનામાં વધુ પોલીસ જવાનો દોષી જણાશે તો તેમને પણ સજા કરવામાં આવશે.

આશિષ રાજેને મારઝૂડની ઘટનાની તપાસ મુંબઈ પોલીસના ઍડિશનલ કમિશનર (સેન્ટ્રલ રિજન) વીરેશ પ્રભુ પણ કરી રહ્યા છે. વીરેશ પ્રભુએ ગયા શનિવારે ઘનશ્યામ બોરસે અને અઝીમ શેખને નાગપાડા પોલીસ સ્ટેશનથી હટાવીને સેન્ટ્રલ રીજન કન્ટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બૉમ્બે ન્યુઝ ફોટોગ્રાફર્સ અસોસિએશન સહિતનાં પત્રકાર સંગઠનોએ એ પગલા બાબતે અસંતોષ વ્યક્ત કરતાં બન્નેને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.

ગઈ કાલે સાંજે મંત્રાલય ખાતે ગૃહપ્રધાનની પત્રકાર સંગઠનો સાથેની મુલાકાત વેળા જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) વિનય ચૌબે પણ હાજર હતા. એ બેઠકમાં બૉમ્બે ન્યુઝ ફોટોગ્રાફર્સ અસોસિએશન, મુંબઈ પ્રેસ ક્લબ, મુંબઈ મરાઠી પત્રકાર સંઘ, ટીવી જર્નલિસ્ટ્સ અસોસિએશન તેમ જ મંત્રાલય આણિ વિધિમંડળ વાર્તાહર સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. હોદ્દેદારોએ ગૃહપ્રધાનને જણાવ્યું હતું કે કેટલાક પોલીસ અધિકારીઓએ નાગપાડા પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર શાલિની શર્માને ખોટી માહિતી આપીને મામલો રફેદફે કરવાની કોશિશ કરી હતી. આશિષ રાજેએ સંબંધિત પોલીસ જવાનો સામે કડક પગલાં લેવાં બદલ ગૃહપ્રધાનનો આભાર માન્યો હતો.

mumbai police mumbai mantralaya anurag kamble