રડાવશે બરાબર રડાવશે, હજી બે-અઢી મહિના કાંદા મોંઘાં જ રહેશે

26 October, 2020 12:00 PM IST  |  Mumbai | Preeti Khuman Thakur

રડાવશે બરાબર રડાવશે, હજી બે-અઢી મહિના કાંદા મોંઘાં જ રહેશે

કાંદા

મુંબઈ-પુણેના રહેવાસીઓની થાળીમાંથી કાંદાનું પ્રમાણ ઓછું થવા લાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે અને એનું કારણ છે કાંદાના આસમાને પહોંચી રહેલા ભાવ. શાકભાજીના ભાવ તો વધી ગયા છે, પરંતુ કાંદા લોકોને રીતસર રડાવી રહ્યા હોય એટલા ભાવ હોલસેલ માર્કેટમાં વધી ગયા હોવાથી કાંદાના વેપારીઓ પોતે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે કાંદાના પાકને નુકસાન પહોંચ્યું છે. નવો પાક તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ એ પહેલાં જ વરસાદ પડી જતાં આશરે ૫૦ ટકા માલ જમીનમાં જ ખરાબ થઈ ગયો છે એથી નવો માલ ડિસેમ્બરના અંત સુધી આવે એવી આશા છે. જોકે ત્યાં સુધી કાંદાના ભાવ સતત વધતા રહેવાના છે અને ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થઈ શકે એવી શક્યતા છે.

કાંદાના ભાવ આગામી દિવસોમાં પણ વધશે એવું કહેતાં કાંદા-બટાટા સંઘના ડિરેક્ટર અશોક વાળુંજે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કર્ણાટક, હુબલી, બૅન્ગલોર, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં વરસાદને કારણે અંદાજે ૫૦ ટકા માલ જમીનમાં જ ખરાબ થઈ ગયો છે એથી જે જૂનો સ્ટૉક છે એ જ વેચાઈ રહ્યો છે. દર વખતે ઑક્ટોબરના અંત સુધી કાંદાનો નવો માલ આવી જાય છે, પરંતુ આ વખતે કદાચ ડિસેમ્બરના અંત સુધી આવી શકે છે. કાંદાનો ભાવ તો ડિસેમ્બર સુધી ઓછો થવાની શક્યતા નથી જ, પરંતુ ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થશે, પણ બટાટાના ભાવ હવે કદાચ નહીં વધે.’

કુદરત સામે કોઈનું ચાલતું નથી એમ કહેતાં કાંદા-બટાટા સંઘના સેક્રેટરી રાજીવ મણિયારે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સાઉથ ઇન્ડિયા સહિત અન્ય રાજ્યમાં આંધી-તોફાન, કમોસમી વરસાદને કારણે કાંદાના પાકથી લઈને સ્પાઇસિસના પાકને ખૂબ નુકસાન થયું છે. નવો પાક તૈયાર થાય એ પહેલાં જ વરસાદ પડતાં ૨૫થી લઈને ૪૦ ટકાથી વધુ માલ જમીનમાં ખરાબ થઈ ગયો છે એટલે જે નવો પાક આવશે એ પણ ઓછો આવવાનો છે અને હાલમાં મહારાષ્ટ્રના ખેડૂતો પાસે પહેલાંથી જે સ્ટૉક જુન-જુલાઈ મહિનામાં બદલાતા વાતાવરણને કારણે ભેજ પકડતાં ગોડાઉનમાં રહેલો માલ અંદર જ ખરાબ થવા માંડ્યો છે. માર્કેટમાં એવી ભયંકર પરિસ્થિતિ છે કે હાલમાં માર્કેટમાં એ-વન ક્વૉ‌લિટીનો ૧૫ ટકા અને સેકન્ડ-થર્ડ ક્વૉલિટીનો માલ ૮૫ ટકા આવ્યો છે. થોડો માલ ઇમ્પોર્ટ પણ થયો છે, પરંતુ ત્યારે લોકોને માલના ભાવની શ્યૉરિટી નહોતી. ઇમ્પોર્ટ લિમિટેડ થયો છે.

હાલમાં પણ ઇમ્પોર્ટ માટે માલ આવ્યો છે, પરંતુ એ માલ એટલો પૂરતો નથી કે ડિમાન્ડ સામે સપ્લાય કરી શકાય. એટલે જ્યાં સુધી નવો પાક આવશે નહીં ત્યાં સુધી આવો જ ભાવ રહેશે. સારી ક્વૉલિટીના કાંદા ૯૦ રૂપિયા કિલો મળે છે, જ્યારે થર્ડ ક્વૉલિટીના કાંદા ૫૦ રૂપિયે કિલો મળે છે. આગામી દિવસોમાં વરસાદ પડશે એવું કહેવાય છે અને જો એવું થશે તો ભાવનો કોઈ અંદાજ લગાડી શકાશે નહીં. કુદરતની સામે આપણે કંઈ જ કરી શકતા નથી. રાઇસના પાકની પણ આવી હાલત છે. બટાટાનું પંજાબ અને યુપીમાં કલ્ટિવેશન થઈ રહ્યું છે.’

mumbai mumbai news maharashtra onion prices preeti khuman-thakur