કસ્ટમ્સ વિભાગને સરકારી ફરમાન, ‘ચાઇનીઝ ઇમ્પોર્ટનાં કન્ટેનર્સને રોકો’

24 June, 2020 07:14 AM IST  |  Mumbai | Sushma B Shah, Urvi Shah Mestry

કસ્ટમ્સ વિભાગને સરકારી ફરમાન, ‘ચાઇનીઝ ઇમ્પોર્ટનાં કન્ટેનર્સને રોકો’

ચીન સાથે ટ્રેડ વૉર

લદાખમાં ભારત-ચીન વચ્ચે લશ્કરી તંગદિલી બાદ વેપાર-મોરચે પણ યુદ્ધ જેવો માહોલ સર્જાઈ શકે એવી સ્થિતિનાં એંધાણ મળી રહ્યાં છે. દેશમાં વેપારી સંગઠનો ચીનમાં બનેલી ચીજોની ખરીદી નહીં કરવા અને એનું વેચાણ બંધ કરવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે ત્યારે કસ્ટમ્સ વિભાગે દેશનાં દરેક કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન પર એવો મૌખિક આદેશ આપ્યો છે કે ચીનથી આવેલાં કન્ટેનરને હાલ પૂરતાં રોકી રાખવાં અને એની બમણી ચકાસણી કરવી.

આ સંદર્ભે કેન્દ્ર સરકાર, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય કે કસ્ટમ દ્વારા કોઈ લેખિત સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી, પણ સૂત્રોએ જણાવ્યું કે ચીનથી આયાત થયેલાં દરેક કન્ટેનરની બમણી ચકાસણી કરવી.

આથી જે ઇમ્પોર્ટરનો માલ ભારત આવી ગયો છે અને ચાઇનાને પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે શક્ય છે કે એવા લોકોએ ભારે સહન કરવાનું આવશે.

જોકે કસ્ટમ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે ચીનનાં કન્ટેનર વિશે જે વાત વિચારવામાં આવી રહી છે એને બન્ને દેશના રાજદ્વારી સંબંધો કે લશ્કરી તંગદિલી સાથે કોઈ સંબંધ નથી.

આવું ભલે સત્તાવાર રીતે કસ્ટમ્સ વિભાગ કહેતો હોય, પણ આ ફરમાનનું ટાઇમિંગ કારણ કાંઈક બીજું જ હોવાનો અંદેશો આપે છે. શું ચીન સાથે ટ્રેડ-વૉર તો નથી આદરવામાં આવ્યુંને?

આ બાબતે આર. એન. શેખર (સેક્રેટરી ઑફ ચેન્નઈ કસ્ટમ બ્રોકર અસોસિએશન)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઑલઓવર ઇન્ડિયામાં ચાઇનાથી જે માલ ઇમ્પોર્ટ કરાયો છે એને હોલ્ડ કરી દેવાયો છે.

શા માટે હોલ્ડ કરવામાં આવ્યો છે એ સવાલ ‘મિડ-ડે’એ પૂછતાં શેખરે જવાબ આપવાનું ટાળ્યું હતું.

અધિકારીએ કહ્યું કે ‘ચેન્નઈમાં કસ્ટમ વિભાગને ૨૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે અને એની કડીઓ ચીન સાથે જોડાયેલી છે. કસ્ટમ્સ વિભાગ એવું માને છે કે કેટલીક ચોક્કસ વ્યક્તિઓ આયાત-નિકાસની આડમાં જાહેર કરેલી ચીજો (દસ્તાવેજમાં ડિક્લેર કરેલા ગુડ્સ)ને બદલે કોઈ ભળતી જ ચીજોની આયાત કરી રહ્યા છે એટલે દરેક કન્ટેનરની તપાસ બેવડા ધોરણે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’

આ બાબતે એક ક્લિયરિંગ એજન્ટે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે અમને ઇન્સ્ટ્રક્શન મળી હતી કે ચાઇનાથી જે પણ માલ આવ્યો છે એને જ્યાં સુધી બીજી કોઈ સૂચના મળે નહીં ત્યાં સુધી ઇમ્પોર્ટ કરાયેલા સામાનને રિલીઝ કરવો નહીં. અમને CCBA તરફથી માત્ર આટલી જ માહિતી મળી છે.’

china india mumbai news urvi shah-mestry