મુંબઈ: કોરોના વાઇરસને લીધે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને અસર

11 March, 2020 07:34 AM IST  |  Mumbai | Chetna Sadadekar

મુંબઈ: કોરોના વાઇરસને લીધે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને અસર

કોસ્ટલ રોડ પ્રોજેક્ટ

મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મનાતા કોસ્ટલ રોડના કામને મુંબઈ મહાનગરપાલિકા ગતિ આપી રહી છે ત્યારે આ પ્રોજેક્ટ માટે પણ કોરોના વાઇરસ આડખીલીરૂપ બની ગયો છે. કોરોના વાઇરસને કારણે પ્રોજેક્ટ નિયત સમય કરતાં મોડો પડે એવી શક્યતા છે. કોરોના વાઇરસને કારણે આ રોડના ટનલિંગનું કામ હવે નવેમ્બર, ૨૦૨૦થી શરૂ કરવામાં આવશે, કારણ કે પ્રોજેક્ટ માટેની મશીનરી ચાઈનાથી આવી રહી છે અને તે વાઇરસને કારણે અધવચ્ચે ભેરવાઈ ગઈ છે.

કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાને કારણે ટનલ બોરિંગ મશીન્સ હવે કદાચ એપ્રિલ મહિના સુધીમાં દરિયાઈ માર્ગે ચાઈનાથી પહોંચશે અને તેની સાધનસામગ્રી જૂન સુધીમાં આવશે. જોકે પાલિકાએ કૉન્ટ્રૅક્ટર્સને રિક્લેમેશન અને પાઈલિંગના કામ પર ધ્યાન આપવા માટે જણાવ્યું છે.

પાલિકાના એક અધિકારીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આમ તો પ્રોજેક્ટ મોડો પડે એ માટે અમે કૉન્ટ્રૅક્ટર પાસેથી દંડ વસૂલતા હોઈએ છીએ, પણ હાલમાં આરોગ્ય સંકટને જોતાં કોઈ પણ દંડ ન વસૂલવાનું નક્કી કરીને અમે કૉન્ટ્રૅક્ટરને થોડી છૂટ આપી છે.’

આ પણ વાંચો : મુંબઈ : સ્કૂલ-કૉલેજમાં માસ્ક ફરજિયાત નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટમાંથી સુધરાઈ સમિતિનું અત્યાર સુધીમાં ૬ ટકા જેટલું કામ પૂરું થયું છે. ડિસેમ્બર, ૨૦૧૯ સુધીમાં ૮ ટકા જેટલું ઓવરઓલ કામ પૂરું થયું છે. અગાઉ પાલિકાએ પર્યાવરણના આધાર પર નાગરિકોએ કરેલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હાઈ કોર્ટે પ્રોજેક્ટને અટકાવ્યો હતો, પણ બાદમાં સુપ્રીમ કોર્ટે તેને ગ્રીન સિગ્નલ આપ્યા બાદ કામ શરૂ થયું હતું.

chetna yerunkar coronavirus brihanmumbai municipal corporation