Covid-19: મુંબઇ પોલીસની નવી ગાઇડલાઇન ઘરથી બે કિમી દૂર જવાની મનાઇ ફરમાવી

28 June, 2020 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Covid-19: મુંબઇ પોલીસની નવી ગાઇડલાઇન ઘરથી બે કિમી દૂર જવાની મનાઇ ફરમાવી

જે વાહનો પોતાના વિસ્તારના બે કિલોમિટરની બહાર વગર કારણ નિકળ્યા હશે તે ડિટેઇન એટલે કે જપ્ત કરી લેવાશે.

એવી ગણતરી ચાલી રહી હતી કે મહારાષ્ટ્રમાં 30મી જૂને લૉકડાઉન પુરું થશે અને ત્યાં તો મુખ્યપ્રધાને જાહેરાત કરી કે એવી 30મી જૂને લૉકડાઉન સાવ ખુલી જાય તેવી શક્યતાઓ પાંખી છે. મુંબઇગરાંઓ માટે મુંબઇ પોલીસે રવિવારે તાજી માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. કોરોનાવાઇરસ રોગચાળાનો ફેલાવો પોતાનો ભરડો ઢીલો નથી મુકી રહ્યો અને સંજોગો કપરાં બની રહ્યા છે. અત્યાર સુધી મુંબઇમાં કોરોનાવાઇરસનાં 70000 કેસિઝ નોંધાયા છે જે દેશનાં કોઇપણ મેટ્રોમાં સૌથી વધારે છે.

નવી માર્ગદર્શિકાઓ અનુસાર નાગરિકો માર્કેટ, સલુન, હજામતની દૂકાન વગેરે સ્થળોએ જઇ શકશે ખરાં પણ તેઓ માત્ર પોતાના રહેઠાણથી બે કિલોમિટરનાં વિસ્તારમાં જ જઇ શકશે. માર્ગદર્શિકાએ એસેન્શિયલ સર્વિસિઝમા આવનારાઓ માટે છૂટ આપી છે અને તેઓ પોતાના ઘરથી બે કિલોમિટરનાં વિસ્તારમાં જ રહેવા માટે બંધાયેલા નથી.

નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ સૂચના છે કે એવા દરેક વાહનો જે તેના લોકલ એરિયાની બહાર કોઇપણ નક્કર કારણ વગરે દેખાશે તો તે જપ્ત કરી લેવાશે. મુંબઇગરાંઓને અપીલ કરતાં પોલીસે જણાવ્યું છે કે, “મિશન બિગીન અગેઇન હેઠળ ઘણી ગાઇડલાઇન્સ રાજ્ય સરકારે આપી છે અને લોકો અવર જવર કરી શકે તેની છૂટ પણ આપી છે પરંતુ કોરોનાવાઇરસનું જોખમ યથાવત્ છે અને માટે બહુ જ જરૂરી છે કે આપણે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સલામતીની પુરી તકેદારી રાખીએ.”

નવી માર્ગદર્શિકા એટલા માટે લાગુ કરાઇ કારણકે હજારો મુંબઇગરાંઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં નિયમની ઐસીતૈસી કરી રહ્યા હતા અને માસ્ક વિના બહાર નિકળી રહ્યા હતા. માગર્દર્શિકા અનુસાર માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું પણ બહુ જ અગત્યનું છે અને તેનો ભંગ કરનાર સામે પગલાં લેવાઇ શકે છે. આ ઉપરાંત વ્યક્તિ રહેતી હશે તેનાથી માત્ર બે કિલોમિટરના પરીધમાં, એટલા જ વિસ્તારમાં તે આવનજાવન કરી શકશે તેનાથી વધુ અંતરે તેને જવાની પરવાનગી નથી. મુંબઇ પોલીસે ચેતવણી આપી છે કે સોશ્યલ ડિસ્ન્ટન્સિંગ ન અનુસરનારા દુકાનદારો અને માર્કેટ્સ સંચાલકો સામે પણ પગલાં લેવાશે.

મુંબઇ પોલીસની માર્ગદર્શિકાનાં મહત્વનાં મુદ્દા આ અનુસાર છે

 

મુંબઇ પોલીસે નવી માર્ગદર્શિકા જાહેર કરી તે પછી તરત જ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ રાજ્યને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું હાલમાં લૉકડાઉનને લગતા જે પણ બંધનો છે તે 30મી જૂન બાદ પણ ચાલુ જ રહેવાના છે. તેમણે કહ્યું કે, “એમ ન માનશો કે 30મી જૂન પછી બધું નોરમલ થઇ જશે. મેં તમને ઘરે રહેવા અપીલ કરી છે અને હજી પણ હું એમ જ કહીશકે જરૂર ન હોય તો ઘરની બહાર ન જશો.”

તેમણે રવિવારે પ્લાઝ્મા થેરપી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પગલે મહારાષ્ટ્ર પ્લાઝ્મા થેરપીથી ઉપચાર કરનાર સૌથી મોટું રાજ્ય બનશે.

mumbai news covid19 coronavirus maharashtra mumbai police