કોરોનાનો પ્રસાર અટકાવવા મુંબઈને સેલ્ફ-આઇસોલેશનની જરૂર છે : દેવરા

21 May, 2020 09:36 AM IST  |  Mumbai | Agencies

કોરોનાનો પ્રસાર અટકાવવા મુંબઈને સેલ્ફ-આઇસોલેશનની જરૂર છે : દેવરા

મિલિંદ દેવરા

હાલના સમયની માગણી છે કે કોવિડ-19નો પ્રસાર રોકવા માટે મુંબઈ શહેરને થોડા સમય માટે સેલ્ફ-આઇસોલેશનનું પાલન કરવાની આવશ્યકતા છે એમ જણાવતાં દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય મિલિંદ દેવરાએ ગઈ કાલે વધુમાં ઉમેર્યું હતું કે દેશવ્યાપી મહામારીની સૌથી વધુ અસર મુંબઈ શહેર પર જોવાઈ છે.

ગોદરેજ જૂથ સાથેની ભાગીદારીમાં મિલિંદ દેવરાએ દક્ષિણ મુંબઈમાં આવેલા ગીચ વિસ્તારોના સંભવિત કોવિડ -19 દરદીઓ માટે ચાર જુદાં-જુદાં સ્થળોએ ૯૦૦ બેડની ક્ષમતાવાળી ક્વૉરન્ટીન અને આઇસોલેશન સુવિધા સ્થાપિત કરી છે જે બીએમસીને સોંપવામાં આવશે.

ગીચતાવાળા રહેણાક વિસ્તારમાં ક્વૉરન્ટીન અને આઇસોલેશન શક્ય ન હોવાથી તેમણે ઝૂંપડપટ્ટી અને ચાલી તેમ જ નાનાં મકાનોના રહેવાસીઓ માટે ક્વૉરન્ટીન અને આઇસોલેશનની સુવિધા વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કોઈ પણ કિંમતે ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડાને મંજૂરી ન આપવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

મુંબઈની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ મનાતા આઇટી અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રમાં વર્ક ફ્રૉમ હોમ કલ્ચરને પ્રાધાન્યતા અપાવી જોઈએ, જ્યારે કે હૉસ્પિટાલિટી સેક્ટરે હોમ ડિલિવરી જેવા નવા વ્યવસાયિક મૉડલ અપનાવવા જોઈએ. મોટા ભાગના પરપ્રાંતીય કામદારો પોતાના વતન રવાના થયા હોવાથી શહેરમાં મજૂરીની અછત સર્જાશે એમ તેમણે જણાવ્યું હતું.

mumbai news mumbai maharashtra