એનસીપીના મુંબઈ અધ્યક્ષ સચિન આહીરે બાંધ્યું શિવબંધન

26 July, 2019 11:33 AM IST  |  મુંબઈ

એનસીપીના મુંબઈ અધ્યક્ષ સચિન આહીરે બાંધ્યું શિવબંધન

સચિન આહિરે શિવસેનામાં જોડાયા

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ એનસીપીના મુંબઈ એકમના વડા અને ભૂતપૂર્વ પ્રધાન સચિન આહીર ગુરુવારે શિવસેનામાં જોડાયા હતા.

અગાઉ રાજ્યમાં કૉન્ગ્રેસ-એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના જોડાણ હેઠળની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા આહીર સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે તથા યુવા સેનાના વડા આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં શિવસેનામાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલાં એક સશક્ત નેતા પક્ષમાં જોડાતાં એનો લાભ ચોક્કસ મળશે.
આહીરને પક્ષમાં આવકારતાં ઉદ્ધવ ઠાકરેએ સાથીપક્ષ બીજેપી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે સેના અન્ય રાજકીય પક્ષોમાં ભંગાણ પાડવાનું વલણ ધરાવતી નથી.
કોઈ પણ પક્ષનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે શિવસેના વૃદ્ધિ કરે, પણ સિદ્ધાંતો અને નૈતિકતાને કોરાણે મૂકીને નહીં. શિવસેના લોકોનાં હૃદય જીતીને રાજકારણ કરવામાં માને છે.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘સચિન આહીર સ્વેચ્છાએ તથા તેમની ખુશીથી જોડાયા છે. હું તેમને ખાતરી આપું છું કે તેમને તેમના આ નિર્ણય બદલ રંજ નહીં થાય.’

૧૯૯૯માં એનસીપીની સ્થાપના થઈ ત્યારથી એની સાથે સંકળાયેલા આહીરે ૧૯૯૯થી ૨૦૦૯ સુધી મુંબઈમાં શિવડી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પછી મતવિસ્તારોનું સીમાંકન થયા બાદ તેઓ વરલીથી ચૂંટાયા હતા.

mumbai news shiv sena nationalist congress party