હાઇવે પરના ખાડાઓને લીધે મિનિટોનો પ્રવાસ થાય છે કલાકોમાં

16 September, 2022 10:23 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈ-અમદાવાદ હાઇવે પર વરસાદમાં વસઈ સુધીના રસ્તાની હાલત એટલી દયનીય થઈ ગઈ છે કે નાગરિકો આંદોલન કરવા મજબૂર બન્યા

ખાડાના ત્રાસથી કંટાળીને લોકોએ વિરોધ દર્શાવવા આંદોલન કરવાં પડે છે

મુંબઈ-અમદાવાદ હાઇવે પર છેલ્લા ઘણા દિવસોથી મસમોટા ખાડા પડી ગયા છે અને એમાં વરસાદને કારણે પાણી ભરાઈ જતાં એ દેખાતા પણ નથી. રસ્તા પરના ખાડાને કારણે વસઈ કામણ અને મુંબઈ-અમદાવાદ હાઇવે પર બન્ને બાજુએ પસાર થવા લોકોના ૩થી ૪ કલાક વેડફાઈ જાય છે, એમ છતાં વહીવટી તંત્ર આ ખાડાને નજરઅંદાજ કરી રહ્યું હોવાનો નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. વારંવાર ફરિયાદ કર્યા છતાં હાઇવે પરના ખાડાનું સમારકામ ન થતાં આખરે હાઇવે પર લોકોએ આંદોલન કરીને પોતાની નારાજગી દાખવવી પડી છે. હાઇવે પર નાયગાંવ પાસે લોકોએ વિરોધનું વલણ દાખવ્યું હતું અને પાલઘરના સંસદસભ્ય અને કલેક્ટર જેઓ આ પ્રસંગે હાજર હતા તેમણે પણ હાઇવે રિપેર ઑથોરિટીને જવાબ પૂછતાં ટોલ વસૂલ ન કરવાની સૂચના આપી હતી.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર છેલ્લા બે મહિનાથી ખાડાનું સામ્રાજ્ય છે. આ ખાડાને કારણે ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે અને દરરોજ ચાર કિલોમીટર લાંબી લાઇન લાગી રહી છે. એમાં વરસાદને કારણે રસ્તો ખાડામાં છે કે ખાડામાં રસ્તો છે એની જ ખબર નથી પડતી. નૅશનલ હાઇવે જેવા રસ્તાની હાલતને કારણે   અકસ્માતના બનાવો પણ વધી રહ્યા હોવાથી લોકો ભારે નારાજ છે. હાઇવે પરના ખાડા પૂરવાની માગ કરી હતી, પરંતુ હજી પણ ખાડા ન ભરાતાં રોષે ભરાયેલા નાગરિકો અને ભૂમિપુત્ર ફાઉન્ડેશન દ્વારા હાઇવે રિપેરિંગ પ્રશાસન સમક્ષ નિરાશા દર્શાવીને એની સાથે ચર્ચા પણ કરી હતી.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર વર્સોવા બ્રિજ પાસે આવા અસંખ્ય ખાડા જોવા મળી રહ્યા છે અને એમાંથી વાહન કેવી રીતે પસાર કરવું એનો પ્રશ્ન ઊભો થાય છે

ભૂમિપુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ સુશાંત પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાઇવે પરના ખાડાએ અમારા નાકે દમ લાવી દીધો છે. એક હદ સુધી ખાડા સહન થાય, પરંતુ સીમા બહારના આ ખાડા જીવલેણ બની રહ્યા છે. લોકો કલાકો સુધી ટ્રાફિક જૅમમાં ફસાઈ જાય છે, એથી વિરોધ દાખવવા અમે હાઇવે પર જઈને આંદોલન કર્યું હતું.’

ખાડાને કારણે અકસ્માતનું જોખમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અગાઉની ચર્ચામાં ખાડા પૂરવામાં આવશે એવી બાંયધરી આપ્યા છતાં કેમ ખાડા પુરાયા નથી એનો જવાબ હાઇવે રિપેર વિભાગ પાસે માગવામાં આવ્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં નાગરિકોએ વિરોધ દર્શાવ્યો હતો અને પાલઘરના કલેક્ટરે આ સમયે નિરીક્ષણ કરીને જ્યાં સુધી ખાડા ન ભરાય ત્યાં સુધી ચારોટી ટોલ બૂથ અને ખાનીવડે ટોલ બૂથ પર ટોલ વસૂલવાનું બંધ કરવાની સૂચના નૅશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓને આપી હતી. એમ છતાં એના પર કોઈ કાર્યવાહી થઈ નથી અને ટોલ લેવાનું પણ બંધ થયું નથી.

વસઈમાં ફૅક્ટરી ધરાવતા સમીર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વર્સોવા બ્રિજના ૧૦૦ મીટરના અંતરે રસ્તા ખાડામાં છે કે ખાડામાં રસ્તો છે એ સમજાતું નથી. વસઈ ચિંચોટી, કામણ વગેરે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મુંબઈભરમાંથી વેપારી વર્ગ કાર લઈને આવે છે, પરંતુ ખાડામાં પાણી ભરાતાં એ એટલા ભયજનક બની ગયા છે કે એને લીધે ટ્રાફિકની સમસ્યા વધી છે. અમદાવાદથી મુંબઈ જતી વખતે આવી ખરાબ હાલત થાય છે. વસઈથી નીકળતાં વર્સોવા બ્રિજ ક્રૉસ કરીને ત્યાંથી પસાર થતાં ૩થી ૪ કલાક લાગી જાય છે. હું કાર લઈને ગયો, પરંતુ મારે ટ્રેનમાં ઘરે જવું પડ્યું હતું.’

mumbai mumbai news western express highway vasai naigaon preeti khuman-thakur