મુલુંડ હૉસ્પિટલના જનરેટરમાં આગ: શિફ્ટ કરાયેલા વધુ એક પેશન્ટે દમ તોડ્યો

14 October, 2020 07:51 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુલુંડ હૉસ્પિટલના જનરેટરમાં આગ: શિફ્ટ કરાયેલા વધુ એક પેશન્ટે દમ તોડ્યો

પ્રતીકાત્મક તસવીર

મુલુંડના વીણાનગરમાં આવેલી ઍપેક્સ હૉસ્પિટલમાં સોમવારે વીજળીની સપ્લાય બંધ થયા બાદ ચાલુ કરાયેલા જનરેટરમાં આગ લાગતાં દરદીઓને આઠ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં સોમવારે ૮૨ વર્ષના એક દરદીનું મૃત્યુ થયા બાદ ગઈ કાલે વધુ ૫૧ વર્ષના એક પેશન્ટે દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુલુંડના બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ આ ગંભીર મામલામાં તપાસ કરવાની માગણી કરી છે.

ઍપેક્સ હૉસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા મુજબ સોમવારે અચાનક વીજળીની સપ્લાય બંધ થઈ હતી ત્યારે અહીં કોવિડના ૩૯ પેશન્ટ સારવાર હેઠળ હતા. જનરેટરમાં આગ લાગતાં હૉસ્પિટલનો ઑક્સિજન સપોર્ટ બંધ થઈ જતાં ૧૬ ઍમ્બ્યુલન્સમાં તમામ પેશન્ટ્સને આસપાસની આઠ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. સોમવારે ૮૨ વર્ષના પાંડુરંગ કુલકર્ણી નામના પેશન્ટનું ફોર્ટિસ હૉસ્પિટલમાં મૃત્યુ થયા બાદ મંગળવારે ૫૧ વર્ષના વીરેન્દ્ર સિંહ નામના પેશન્ટે પણ દમ તોડ્યો હતો.

ઍપેક્સ હૉસ્પિટલનાં મુખ્ય મેડિકલ ડૉ. મધુરા કાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાવર કટ બાદ જનરેટરમાં આગ લાગ્યા બાદ અમે દરેક દરદીની સારવાર બરાબર ચાલી રહી છે કે નહીં એના પર ધ્યાન આપી રહ્યા છીઅે. અમારી હૉસ્પિટલના ડૉક્ટરોને અમે બીજી હૉસ્પિટલમાં પેશન્ટની સારવાર માટે મોકલ્યા છે. જે દરદી શિફ્ટ થયા હતા એમાંના ૭ દરદી અહીં પાછા આવી ગયા છે. વહેલાસર હૉસ્પિટલ પૂર્ણપણે કાર્યરત થઈ જાય અે માટેના અમારા પ્રયાસ ચાલુ છે. ગઈ કાલે ૮૨ વર્ષના મૃતકનાં પત્નીને અહીં સારવાર માટે લાવવામાં આવ્યાં છે.’

ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે આ ઘટના બાદ સરકારે જે લોકો પર પાવર-કટને કારણે અસર થઈ છે તેમના પર વિશેષ ધ્યાન આપીને તેમની સારવાર ચાલુ કરાવવી જોઈએ.

મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ આ વિશે કહ્યું હતું કે ‘એપેક્સ હોસ્પિટલની આ ગંભીર ઘટના બાદ મેં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ એડિશનલ કમિશનર સુરેશ કાકાણીને મળીને રજૂઆત કરી હતી કે આ ઘટનાની પૂરી તપાસ થવી જોઇએ અને જો હોસ્પિટલની બેદરકારી સામે આવે તો તેનું લાઈસન્સ રદ્ કરવામાં આવે. ઉપરાંત, તપાસ ચાલે ત્યાં સુધી હોસ્પિટલને બંધ જ રાખવાની માગણી કરી હતી.’

mulund mumbai mumbai news coronavirus