મુંબઈ : આ વર્ષે ભારે વરસાદ પડે તોય પૂરની શક્યતા ઓછી

25 March, 2021 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય ટેક્નૉલૉજીના ઉપયોગથી ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા સામે સજ્જ રહી શકાશે : મુંબઈમાં પ્રથમ વાર કરવામાં આવી રહી છે આવી પહેલ

ફાઈલ તસવીર

કોરોનાવાઇરસના વધતા જતા કેસ સામે લડી રહેલી બીએમસીએ હવે ચોમાસા પૂર્વેનાં કાર્યો પર પણ લક્ષ આપવાનું હોવીથી એણે આ માટે અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. ચોમાસા પહેલાં મીઠી નદી સ્વચ્છ કરવા માટે નેધરલૅન્ડ્સ અને સ્વીડનની આંતરરાષ્ટ્રીય ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા સાથે બીએમસીએ ગટરમાં નડતા અવરોધ ચકાસવા તેમ જ એની મજબૂતાઈ ચકાસવા માટે ચોમાસા પહેલાં શહેરના બ્રિટિશ મૅનહોલ રેઇનવૉટર ગટરમાં સીસીટીવી કૅમેરા બેસાડવાનો પણ નિર્ણય લીધો છે.

સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે તૈયાર કરાયેલા ઑડિટ રિપોર્ટ મુજબ આવશ્યક રિપેરિંગ તથા સફાઈ પૂર્ણ કરવામાં આવનાર હોવાથી આ વર્ષે વરસાદી પૂરની શક્યતા ઘણી ઓછી છે. મુંબઈ શહેરમાં પ્રથમ વાર આવી પહેલ કરવામાં આવી રહી છે.

ચોમાસું બેસવામાં ઘણો ઓછો સમય રહ્યો હોવાથી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અનેક કામ હાથ ધરવામાં આવ્યાં છે. મીઠી નદીમાંથી કાંપ અને કચરો કાઢીને એને સાફ કરવા માટે નેધરલૅન્ડ્સ અને સ્વીડનના મશીનનો ઉપયોગ કરવામાં આવશે તથા સીસીટીવી કૅમેરા દ્વારા અંદર સુધી પહોંચીને માનવીય હાથોથી ન કરી શકાતા પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશિશ કરાશે. પ્રથમ વાર શહેરની ગટરમાં સીસીટીવી કૅમેરાની મદદથી ટોપો સર્વે હાથ ધરવામાં આવશે.

સીસીટીવી કૅમેરા કેવી રીતે કામ કરશે?
ક્રોલર્સની મદદથી સીસીટીવી કૅમેરાને ગટરમાં ઉતારાશે અને ત્યાર બાદ તે સૂચના મુજબ આપોઆપ ગટરમાં આગળ વધશે. ગટરમાં કૅમેરા ૩૬૦ ડિગ્રી ફરતો રહેશે અને Sમાં ઝીલાતી છબિને બહારની સ્ક્રીન પરથી જોઈ શકાશે. આને કારણે ગટરની હાલતને સમજવામાં અને એનું રિપેરિંગ કરવામાં સરળતા રહેશે જેથી ચોમાસા પહેલાં પાણી ભરાવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ઓછી થઈ જશે.

mumbai mumbai news maharashtra coronavirus covid19 mumbai trains