22 August, 2025 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોનોરેલ
મંગળવારે મોનોરેલમાં પાવર-ફેલ્યરને કારણે મૈસૂર કૉલોની સ્ટેશન પાસે મુસાફરો ફસાઈ ગયા હતા. ઍર-કન્ડિશનર (AC) પણ બંધ થઈ જતાં ૨૮થી વધુ મુસાફરોને ભારે ગૂંગળામણ અનુભવાઈ હતી. મોનોરેલના એલિવેટેડ કૉરિડોર પર કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઑપરેશન બાદ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મોનોરેલના સંચાલન અને મુસાફરોની સુરક્ષાને મજબૂત બનાવવા માટે લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં પગલાં લેવાની જાહેરાત કરી હતી.
MMRDAએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મોનોરેલનું સંચાલન કરતી મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)ને મુસાફરોની સુરક્ષા માટેના પ્રોટોકૉલ વધુ મજબૂત બનાવવાની અને મોનોરેલના સંચાલનમાં તકેદારી વધારવાની સૂચના આપવામાં આવી છે.
ટૂંકા ગાળાનાં પગલાંમાં મોનોરેલના સ્ટાફને મુસાફરોની સંખ્યા બાબતે ચોક્કસ રહેવાનું જણાવાયું છે. એક કોચમાં એની મહત્તમ ક્ષમતા ૧૦૪ ટન વજન કરતાં વધુ વજન હોવું ન જોઈએ અને જો મુસાફરોની ભીડ વધી જાય તો ટ્રેનને રોકીને વધારાના મુસાફરોને સલામત રીતે ઉતારીને પછી જ ટ્રેનને આગળ વધારવી જોઈએ.
દરેક ટ્રેનમાં મુસાફરોની સંખ્યાના નિરીક્ષણ માટે એક ઑનબોર્ડ સિક્યૉરિટી ગાર્ડ હશે. તાલીમ લીધેલો એક ટેક્નિશિયન મોનોરેલના પાઇલટ સાથે રહેશે જેથી મુસાફરી દરમ્યાન કોઈ પણ ટેક્નિકલ સમસ્યાને ઉકેલી શકાય. દરેક ટ્રેનની ૮ ઇમર્જન્સી વિન્ડોની ચકાસણી કરીને મુસાફરોને સ્પષ્ટ ખ્યાલ આવે એ રીતે એના પર લેબલ લગાવવામાં આવશે.
મુસાફરોને ઇમર્જન્સીના સમયે શું કરવું એનો ખ્યાલ આવે એ માટે વધારાના સંકેતો મૂકવામાં આવશે. સુરક્ષાના નિયમોનું કડક પાલન થાય એ માટે મોનોરેલના મેઇન્ટેનન્સ વિભાગના ડિરેક્ટર ચાંપતી નજર રાખશે.
આ ઉપરાંત લાંબા ગાળાનાં પગલાં માટે ૧૦ નવી મોનોરેલ સંપૂર્ણ ચકાસણી બાદ સેવામાં ઉમેરાશે. એને લીધે મુસાફરોની સંખ્યા વધારી શકાશે તેમ જ અત્યારે સેવામાં હોય એવી ટ્રેન પરના ધસારાને પહોંચી વળાશે.
BMCના કમિશનરે મદદગારોને બિરદાવ્યા
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મોનોરેલના રેસ્ક્યુ ઑપરેશન બદલ મુંબઈ ફાયર-બ્રિગેડની કામગીરીની સરાહના કરી હતી. બુધવારે તેમણે ભાયખલામાં ફાયર-બ્રિગેડના હેડક્વૉર્ટર પર જઈને અધિકારીઓ અને ફાયર-બ્રિગેડના જવાનોને બિરદાવ્યા હતા. આ માત્ર રેસ્ક્યુ ઑપરેશન જ નહોતું, પણ પ્રજાને શહેરની ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમ પર ભરોસો બેસે એવી કામગીરી હોવાનું ભૂષણ ગગરાણીએ કહ્યું હતું.