શું કોરોનાની રસીનો બીજો ડોઝ તમે નથી લીધો? તો ક્યારે લેશો?

16 June, 2022 10:22 AM IST  |  Mumbai | Suraj Pandey

કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે બીજો ડોઝ ચૂકી જનારા લોકોને બીએમસી ફરી એક વખત ફોન કરીને એ લેવાની કરે છે અપીલ

ફાઇલ તસવીર

`હેલો, શું તમે રસીનો બીજો ડોઝ નથી લીધો? તો ક્યારે લેશો? પ્લીઝ, નજીકના બીએમસી સેન્ટર પર જઈને ડોઝ લઈ લેશો.’

બીજો ડોઝ ચૂકી જનારા લોકોને બીએમસી ફરી એક વખત ફોન કરીને ડોઝ લેવાની અપીલ કરે છે.

મુંબઈનો ટીપીઆર ફરી વખત ૧૫ ટકાએ પહોંચી જતાં બીએમસીએ કોરોનાવિરોધી રસીનો બીજો ડોઝ ન લીધો હોય એવા લોકોની શોધ આદરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં પુખ્ત લોકોની વસ્તી ૯૨,૩૬,૫૦૦ છે. એમાંથી ૯૨ લાખથી વધુ લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે. બીજા ડોઝનો લક્ષ્યાંક હાંસલ થઈ ગયો જણાતો હોવા છતાં હજી ઘણા લોકોએ બીજો ડોઝ લેવાનો બાકી છે. દહિસરનાં ૨૯ વર્ષનાં પ્રતિભા પાંડેએ જણાવ્યું હતું કે ‘મેં ૨૩ જૂન, ૨૦૨૧ના રોજ પહેલો ડોઝ લીધો હતો. બીજો ડોઝ લેવાનો હતો, પણ મારી ગર્ભાવસ્થાની જાણ થતાં મેં બીજો ડોઝ નહોતો લીધો. તાજેતરમાં દાદર વૉર્ડના વૉરરૂમમાંથી મને ફોન કરીને જણાવવામાં આવ્યું કે મેં રસીનો બીજો ડોઝ ન લીધો હોવાથી નજીકના બીએમસી રસીકરણ કેન્દ્રમાં જઈને ડોઝ લઈ લેવો.’

‘જી’ નૉર્થ વૉર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બીજો ડોઝ ન લીધો હોય એવા ૨૫,૦૦૦ લોકોની યાદી અમને મળી છે. અમે દરેક વ્યક્તિને ફોન કરીને બીજો ડોઝ લેવા જણાવીએ છીએ.

બીએમસીના આરોગ્ય વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઘણા લોકોએ ડોઝ લેતી વખતે બે જુદા-જુદા નંબરમાંથી નોંધણી કરાવી છે. આથી કોવિનમાં ઘણા લોકો બીજો ડોઝ લેવાનું ચૂકી ગયા હોવાનું બતાવાઈ રહ્યું છે. ગયા વર્ષે અમે બીજો ડોઝ ન લેનારા લોકોને ફોન કરતા હતા, પણ થોડા સમય પછી ફોન કરવાનું બંધ કરી દીધું હતું.’

એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉક્ટર મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે ‘અમારું ‘હર ઘર દસ્તક’ અભિયાન ચાલી રહ્યું છે. આથી અમે બીજો ડોઝ ન લેનારા લોકોને ફોન કરી રહ્યા છીએ. અમારો ફીલ્ડ સ્ટાફ પણ ઘરોની મુલાકાત લઈને લોકોને પૂછી રહ્યો છે કે તેમણે બન્ને ડોઝ લીધા છે કે નહીં.’

mumbai mumbai news coronavirus covid19 vaccination drive covid vaccine