26 August, 2025 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રોની ગ્રીન લાઇનના પરીક્ષણ માટે ક્રેનની મદદથી કોચને ટ્રૅક પર ગોઠવવામાં આવ્યા.
મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સમાં દોડનારી મેટ્રોની ગ્રીન લાઇન 4 અને 4-A પર વિવિધ તબક્કાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સોમવારે થાણેના આનંદનગર પાસે મેટ્રો ટ્રેનના કોચ ક્રેનની મદદથી ટ્રૅક પર મુકાયા હતા. કોચની ગોઠવણી બાદ સપ્ટેમ્બર મહિનાથી ગ્રીન લાઇન પર ટ્રાયલ રન શરૂ થાય એવી શક્યતા છે.
અત્યારે ટ્રૅક પર ગોઠવાયેલા કોચ માત્ર પરીક્ષણ માટે જ મુકાયા છે. ખરેખર જે ટ્રેન દોડાવવાની છે એના પર હજી કામકાજ ચાલી રહ્યું છે. કૅડબરી જંક્શનથી ગાયમુખ વચ્ચે ૧૦.૫ કિલોમીટરના માર્ગ પર મેટ્રો લાઇન 4-A અને મેટ્રો લાઇન 4ના અમુક ભાગનો સમાવેશ થાય છે. કૅડબરી, માજીવાડા, કાપુરબાવડી, માનપાડા, ટીકુજીની વાડી, ડોંગરી પાડા, વિજય ગાર્ડન, કાસારવડવલી, ગોવનીવાડા અને ગાયમુખ એમ ૧૦ સ્ટેશનો આ માર્ગમાં સામેલ છે. આ લાઇન ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે ચાલુ થાય એવી શક્યતા છે.