23 August, 2026 06:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ બિલ્લીમાસી
મેટ્રોના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ પર મોટા ભાગે પ્રવાસીઓ, ગ્રાહકો અને સામાન્ય લોકો ફરિયાદો કરતા હોય છે; પરંતુ અમુક વખત ઘણા રમૂજી કિસ્સા અને રિપ્લાય પણ વાઇરલ થતા હોય છે. આ જ રીતે ગુંદવલી મેટ્રો સ્ટેશનને પોતાનું ઘર બનાવી બેઠેલી એક બિલાડીને લઈને પણ ઇન્ટરનેટ પર મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) દ્વારા એમના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટ વાઇરલ થઈ રહી છે. ગુંદવલી મેટ્રો સ્ટેશન પર બેઠેલી જિંજર કલરની એક બિલાડીનો ફોટો પાડીને એક પ્રવાસી મેટ્રોના સોશ્યલ મીડિયા હૅન્ડલને ટૅગ કરીને એ ફ્રીમાં કામ કરતી હોવાથી એને કોઈ સત્તાવાર હોદ્દો આપવાનું કહે છે.
એના જવાબમાં MMMOCLના હૅન્ડલ પરથી રમૂજી રિપ્લાય કરીને એ બિલાડીને તે ગુંદવલી મેટ્રો સ્ટેશનની ચીફ ફીલાઇન ઑફિસર હોવાનું સ્પષ્ટ કરવામાં આવે છે. એનું કામ સ્ટેશન ઇન્સ્પેક્શનનું અને પ્રવાસીઓને ઑબ્ઝર્વ કરવાનું હોવાનું મેટ્રોના હૅન્ડલ દ્વારા કરવામાં આવેલા રિપ્લાયમાં જણાવવામાં આવ્યું છે.
અનેક લોકોએ તો અહીં બિલાડીઓને જોઈને મેટ્રો સ્ટેશનનું નામ બદલાવીને મ્યાઉડવલી કરી નાખવાની પણ મજાક કમેન્ટ સેક્શનમાં કરી હતી. કમેન્ટ સેક્શનમાં અન્ય યુઝર્સે બીજા મેટ્રો સ્ટેશન પર રહેલી બિલાડીઓના ફોટો પણ મૂક્યા હતા, જેને પગલે બિલાડી અને મેટ્રો સ્ટેશન વિશેની વાતોથી કમેન્ટ વિભાગ ભરાઈ ગયો હતો.