30 July, 2025 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3 આરેથી વરલીના આચાર્ય અત્રે ચોક સુધી શરૂ થઈ ગઈ છે અને હવે આવતા મહિનાથી એ કફ પરેડ સુધી શરૂ થાય એવી શક્યતા છે ત્યારે મેટ્રોનાં મહત્ત્વનાં સ્ટેશનો પર આવતા પ્રવાસીઓને અને રાહદારીઓને આવવા-જવામાં સરળતા પડે એ માટે અન્ડરગ્રાઉન્ડ સબવે કૉરિડોર બનાવવાનો પ્લાન થઈ રહ્યો છે. આચાર્ય અત્રે ચોકથી લઈને મહાલક્ષ્મી રેસકોર્સ અને હાજી અલીમાં આવેલા કોસ્ટલ રોડ પાર્કિંગ સુધીનો આવો પહેલો સબવે કૉરિડોર તૈયાર કરવાનું વિચારાઈ રહ્યું છે. એ સિવાય એની બીજી શાખા બાજુની ખુલ્લી જગ્યામાં આપવાનું પણ વિચારાઈ રહ્યું છે.
આ પ્લાન અમલમાં લાવી શકાય એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) અને ભારતીય રેલના અધિકારીઓની એક બેઠક સોમવારે BMCના હેડક્વૉર્ટરમાં યોજાઈ હતી જેમાં રાહદારીઓ માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી આપવા સંદર્ભે ચર્ચા થઈ હતી. ખાસ કરીને મેટ્રો-3નાં સ્ટેશનોની આસપાસ આ સુવિધા કઈ રીતે ઊભી કરી શકાય એ માટેની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ આવતા ચાર મહિનામાં તૈયાર કરવામાં આવશે એમ એક ઑફિસરે જણાવ્યું હતું.