દરવાજા બંધ ન થયા એટલે મેટ્રો 3 સવારે ૨૦ મિનિટ માટે અટકી ગઈ

24 March, 2026 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટે​ક્નિકલ ખામીના ચોક્કસ સ્વરૂપ વિશે વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નહોતી.

ટે​ક્નિકલ ખામીને કારણે અટકી ગયેલી મેટ્રોમાં ડિલે થવાને કારણે પ્રવાસીઓની માફી માગતો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

મુંબઈ મેટ્રો 3 પરના મુસાફરોને ગઈ કાલે ટે​ક્નિકલ સમસ્યાને કારણે પીક અવર્સમાં લગભગ ૨૦ મિનિટ સુધી સર્વિસ બંધ રહેવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. MIDC સ્ટેશન પાસે મેટ્રોમાં સવારે ૮.૪૦થી ૮.૫૭ વાગ્યા સુધી એના દરવાજા ખુલ્લા જ રહ્યા હતા, એના કારણે કોચની અંદર મૂંઝવણ ઊભી થઈ હતી. સ્ટૉપ થયાની થોડી મિનિટોમાં એક જાહેરાત દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવી કે ટે​ક્નિકલ સમસ્યાને કારણે ટ્રેન બંધ કરવામાં આવી છે. સાથે જ લોકોને ડિલે થવાને કારણે પડતી હાલાકી બદલ માફી પણ માગવામાં આવી હતી.

ટે​ક્નિકલ સમસ્યાને કારણે આ અવરોધ થયો હોવાનું કહેવાય છે. બન્ને દિશાઓ એક જ લાઇન પર કાર્યરત હોવાથી બન્ને બાજુની અવરજવરને અસર થઈ હતી. એને કારણે સમગ્ર લાઇન થોડી વાર માટે સ્થગિત થઈ ગઈ હતી. લગભગ ૨૦ મિનિટ સુધી રોકાયા પછી દરવાજા આખરે બંધ થઈ ગયા અને ટ્રેન ફરી શરૂ થઈ હતી. જોકે શરૂઆતમાં ધીમી ગતિએ દોડી હતી. ટે​ક્નિકલ ખામીના ચોક્કસ સ્વરૂપ વિશે વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નહોતી.

mumbai news mumbai mumbai metro mumbai transport mumbai travel midc maharashtra industrial development corporation