મુંબઈઃપાર્કિંગના નિયમમાંથી શું મેયર છે મુક્ત?

15 July, 2019 08:15 AM IST  |  મુંબઈ | સંજીવ શિવાડેકર

મુંબઈઃપાર્કિંગના નિયમમાંથી શું મેયર છે મુક્ત?

પાલિકાના પાર્કિંગના નવા નિયમો દરેકને લાગુ પડે છે, જનતાને પબ્લિક પાર્કિંગ લૉટના ૫૦૦ મીટરના પરિઘમાં વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવા સાથે પાલિકાએ મોટી રકમના દંડની પણ જોગવાઈ કરી છે. જોકે પાલિકાના નિયમો પ્રત્યે શહેરના મેયરનું જ ધ્યાન ન હોય એવું હાલમાં બનેલા એક બનાવ પરથી લાગી રહ્યું છે.

શનિવારે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર વિલે પાર્લેમાં કોલડોંગરી વિસ્તારની મુલાકાતે ગયા હતા. એ સમયે તેમના સ્ટાફે તેમની કાર નો-પાર્કિંગનું સાઇનબોર્ડ ધરાવતા થાંભલાની નીચે જ પાર્ક કરી હતી. કાયદા સામે તમામ સમાન છે, પણ ટ્રાન્સપોર્ટ વિભાગે એમ કહીને મેયરનો બચાવ કર્યો છે કે મેયરે જે વિસ્તારમાં પોતાનું વેહિકલ પાર્ક કર્યું ત્યાં કોઈ પાર્કિંગ-લૉટ નહોતો, પરંતુ સાથે જ એ પણ સત્ય છે કે નો-પાર્કિંગના બોર્ડની નીચે જ કાર પાર્ક કરવી નહોતી જોઈતી.

જોકે મેયરે પોતાની ભૂલનો સ્વીકાર કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કારમાંથી ઊતરીને રેસ્ટોરાંમાં ગયો હતો. મારા ડ્રાઇવરે કાર ક્યાં પાર્ક કરી એની મને જાણ નહોતી, જોકે હવે હું મારા સ્ટાફ (ડ્રાઇવર)ને પાર્કિંગના નિયમોનું પાલન કરવાનું કહીશ.’

આ પણ વાંચોઃ તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

સરકારી કર્મચારીઓની બેવડી નીતિ વિશે મુંબઈ ટ્રાન્સપોર્ટ ફોરમના જિતેન્દ્ર ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં જ આપણો દેશ પાછળ છે. શહેરના મેયરે લોકોમાં દાખલો બેસાડવો જોઈએ એના સ્થાને તેઓ મનફાવે એમ નિયમોને તોડી-મરોડી શકે અને જનતા પાસે એનું અક્ષરશ: પાલન કરવાનો આગ્રહ રાખે છે.’

mumbai news brihanmumbai municipal corporation