મુંબઈ : રાજ્યપાલની સેક્યુલર કમેન્ટથી ઉદ્ધવ વીફર્યા

14 October, 2020 07:51 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : રાજ્યપાલની સેક્યુલર કમેન્ટથી ઉદ્ધવ વીફર્યા

ઉદ્ધવ ઠાકરે અને ભગત સિંહ કોશ્યારી.

મહારાષ્ટ્રમાં લૉકડાઉનમાં મંદિરો ખોલવા બાબતે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. બીજેપીના કાર્યકરોએ સિદ્ધિવિનાયક મંદિર સામે પ્રદર્શન કર્યા બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ધર્મસ્થાનો ખોલવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે, જેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જે રીતે અચાનક લૉકડાઉન કરવું યોગ્ય નહોતું એમ લૉકડાઉન ઉઠાવી લેવાનું પણ બરાબર નથી. રાજ્યપાલે પત્રમાં સેક્યુલર થઈ જવાના કરેલા ઉલ્લેખના ઉત્તરમાં શિવસેનાપ્રમુખે અમને કોઈ હિન્દુત્વ શીખવવાનો પ્રયાસ ન કરે એમ કહ્યું હતું.

રાજ્યપાલે પત્રમાં ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું છે કે શું ઉદ્ધવને ઈશ્વર તરફથી કોઈ ચેતવણી મળી છે કે ર્ધમસ્થળો ફરી ખોલવાનું સતત ટાળવામાં આવે કે તેઓ સેક્યુલર થઈ ગયા છે. રાજ્યમાં બાર અને રેસ્ટોરાં ખૂલી ગયાં છે તો ધર્મસ્થળો કેમ બંધ છે એવો સવાલ કરતાં રાજ્યપાલે પત્રમાં લખ્યું છે કે કમનસીબી છે કે ચાર મહિના પહેલાં મંદિરો ખોલવાની જાહેરાત કર્યા બાદ ફરી એક વખત પૂજાનાં સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આપણી કમનસીબી છે કે એક તરફ રાજ્ય સરકારે બાર, રેસ્ટોરાં અને દરિયાકિનારાના બીચ ખોલવાની મંજૂરી આપી દીધી છે તો બીજી બાજુ દેવી-દેવતાઓને લૉકડાઉનમાં રખાયાં છે.

રાજ્યપાલે પત્રમાં વધુમાં લખ્યું છે કે ‘તમે હિન્દુત્વના હિમાયતી છો. મુખ્ય પ્રધાન બન્યા બાદ અયોધ્યા જઈને તમે શ્રીરામ સામે સમર્પણ કર્યું હતું. અષાઢી એકાદશીએ પંઢરપુરમાં વિઠ્ઠલ રુક્મિણી મંદિરમાં જઈને પૂજા કરી, પણ મને આશ્ચર્ય થાય છે કે શું ધર્મસ્થળોને ખોલવાનું ટાળતા રહેવાના છો. તમને કોઈ દેવ-આદેશ મળ્યો છે કે તમે અચાનક ‘સેક્યુલર’ થઈ ગયા છો, જે શબ્દથી તમને ક્યારેક નફરત હતી?

રાજ્યપાલના પત્રના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અચાનક લૉકડાઉન લાગુ કરવાનું યોગ્ય નથી એવી રીતે લૉકડાઉન ઉઠાવી લેવાનું પણ બરાબર નથી. હું હિન્દુત્વમાં માનું છું, મારા હિન્દુત્વને સાબિત કરવા માટે તમારા પ્રમાણપત્રની જરૂર નથી.

મંદિરો ખોલવા માટે ગઈ કાલે બીજેપીના સેંકડો કાર્યકરોએ સિદ્ધિવિનાયક મંદિરની બહાર પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર શ્રદ્ધાળુઓ માટે મંદિર નથી ખોલી રહી, જ્યારે બીજી બધી સેવાઓ અને પ્રતિષ્ઠાન ખોલી દેવામાં આવ્યાં છે.

mumbai maharashtra mumbai news uddhav thackeray coronavirus lockdown