મરાઠા ક્વૉટા : મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

22 September, 2020 07:42 AM IST  |  Mumbai | Agency

મરાઠા ક્વૉટા : મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

સુપ્રીમ કોર્ટ

એક સત્તાવાર યાદી અનુસાર મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતની મોટી બેન્ચ સમક્ષ અરજી દાખલ કરીને નોકરી અને શિક્ષણ ક્ષેત્રે મરાઠા ક્વૉટાના અમલીકરણ પરનો સર્વોચ્ચ કોર્ટનો સ્ટે હટાવી લેવાની માગણી કરી હતી.

રાજ્યમાં ક્વૉટા-તરફી વિવિધ મરાઠા એકમો દ્વારા થઈ રહેલા વિરોધની વચ્ચે શિવસેનાના વડપણ હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે આ પગલું ભર્યું હતું. પીડબ્લ્યુડી પ્રધાન અશોક ચવાણે પત્રકારોને જણાવ્યું હતું કે સોમવારે સવારે અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલો અરજીની સુનાવણી ટૂંક સમયમાં જ હાથ ધરાય એ માટે પ્રયત્ન કરશે.

મરાઠા દ્વારા હાથ ધરાયેલા વિરોધ વિશે પ્રતિક્રિયા આપતાં ચવાણે જણાવ્યું હતું કે ‘આ એક કાનૂની પ્રક્રિયા છે. અમારે કાનૂની પ્રક્રિયા થકી જ ઉકેલ શોધવો પડશે. આથી સરકારે પ્રક્રિયાને અનુસરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.’

સોમવારે સવારે ચવાણ એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા હતા અને સ્ટે ઑર્ડરને ધ્યાનમાં રાખીને એનસીપી ગઠબંધન દ્વારા ભરવાનાં પગલાં વિશે ચર્ચા કરી હતી. સુપ્રીમ કોર્ટે ચાલુ મહિનાના પ્રારંભમાં શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા સમુદાયને અનામત આપતા ૨૦૧૮ના મહારાષ્ટ્ર કાયદાના અમલીકરણ પર સ્ટે મૂક્યો હતો, પરંતુ એ સ્પષ્ટ કર્યું હતું કે જેમણે આ ક્વૉટાનો લાભ ઉઠાવ્યો છે, તેમની સ્થિતિમાં વિક્ષેપ ઊભો કરાશે નહીં.

જસ્ટિસ એલ. એન. રાવના વડપણ હેઠળની ત્રણ જજની બેન્ચે ભારતના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે દ્વારા વિશાળ બંધારણીય બેન્ચ સ્થાપવાનો સંદર્ભ આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ૨૦૧૮ના કાયદાનો લાભ ઉઠાવનારા લોકોની સ્થિતિમાં વિક્ષેપ ઊભો કરાશે નહીં.

mumbai mumbai news maharashtra supreme court