વિધાનસભાના કૅલેન્ડરમાં બ્લન્ડર, કૅલેન્ડરમાં ફડણવીસ મુખ્ય પ્રધાન

24 January, 2020 10:15 AM IST  |  Mumbai

વિધાનસભાના કૅલેન્ડરમાં બ્લન્ડર, કૅલેન્ડરમાં ફડણવીસ મુખ્ય પ્રધાન

દેવેન્દ્ર ફડણવીસ

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ‘હું ફરી એક વાર આવીશ’ની જાહેરાત આખા રાજ્યમાં ગાજી હતી. વિધાનસભામાં બોલતી વખતે ‘હું ફરી એક વાર આવીશ’ એવી કવિતા રજૂ કરીને ફડણવીસે ‘ફરીથી હું મુખ્ય પ્રધાન બનીશ’ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે શિવસેનાએ બીજેપીને પીઠ દેખાડીને એનસીપી-કૉન્ગ્રેસ સાથે તડજોડ કરી લેતાં ફડણવીસનાં અરમાન પર પાણી ફરી વળ્યું હતું. જોકે એમ છતાં વિધાનસભાના કૅલેન્ડર પર દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય પ્રધાન હોવાનું દેખાયું હતું. વિધાનસભાના કૅલેન્ડર પર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે દેખાડતો ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હોવાથી આ કૅલેન્ડર હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

રાજ્યમાં હાલમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર છે. ૨૦૧૯ની ૨૮ નવેમ્બરે તેમણે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ત્યાર બાદ જાન્યુઆરીમાં પ્રધાનમંડળનો વિસ્તાર થયો હતો છતાં વિધાનસભાના કૅલેન્ડર પર મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનો જ ફોટો છાપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગવર્નર તરીકે વિદ્યાસાગર રાવનો ફોટો છાપવામાં આવ્યો છે. આના પરથી એ નક્કી થાય છે કે કૅલેન્ડર ક્યારે છાપવામાં આવ્યું હતું અને એમાં આટલી ગંભીર ભૂલ કોણે કરી એ પ્રશ્ન અહીં ઊભો થયો છે.

વિધાનસભાના કૅલેન્ડરમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે રાધાકૃષ્ણ વિખે પાટીલનો ફોટો છાપવામાં આવ્યો છે. તેમના ફોટોની નીચે વિધાનસભાના વિરોધી પક્ષના નેતા એ. વી. પડવી લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ધનંજય મુંડે (વિરોધી પક્ષના નેતા, વિધાન પરિષદ), રામરાજે નિંબાળકર (અધ્યક્ષ, વિધાન પરિષદ), હરિભાઉ બાગડે (વિધાનસભ્ય અધ્યક્ષ)નો ફોટો છે. આને કારણે આ કૅલેન્ડર અગાઉ જ છાપવામાં આવ્યું હતું કે કેમ અને સત્તાપલટો થયા પછી પણ એમાં સુધારો કેમ કરવામાં ન આવ્યો એવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

કૅલેન્ડરમાં મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો છાપવાની ભૂલ કોનાથી થઈ હતી એની તપાસ કરવામાં આવશે અને સંબંધિત અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે એવું જળસંસાધન પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું. રાજ્યમાં પોતાની સરકાર જ આવશે એવું અમુક લોકોને લાગતું હતું અને એને કારણે જ આવું કૅલેન્ડર અગાઉથી છાપવામાં આવ્યું હશે એવું પાટીલે જણાવ્યું હતું. જે અધિકારીથી આ ભૂલ થઈ છે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

mumbai mumbai news devendra fadnavis shiv sena bharatiya janata party