સેવન હિલ્સ હૉસ્પિટલની બહાર રજિસ્ટ્રેશન વિનાના લોકોનીયે રસી માટે લાંબી લાઇન

04 May, 2021 09:16 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સોશ્યલ ડિસ્ટસ્ટિંગના લીરેલીરા : ૧૮ વર્ષથી વધુ વયજૂથના લોકો પણ હતા અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના સહિત સિનિયર સિટિઝનો પણ વૅક્સિન લેવાનો કરી રહ્યા હતા નિષ્ફળ પ્રયાસ

સેવન હિલ્સ હૉસ્પિટલ બહાર વૅક્સિન લેવા ૫૦૦ મીટર જેટલી લાંબી લાઇન જોવા મળી હતી.

ગોરેગામના નેસ્કો વૅક્સિનેશન સેન્ટરની બહાર લાંબી લાઇન જોવા મળ્યા બાદ ગઈ કાલે અંધેરીની સેવન હિલ્સ હૉસ્પિટલની બહાર પણ વૅક્સિન લેવા ૫૦૦ મીટર જેટલી લાંબી લાઇન જોવા મળી હતી. આ લાઇનમાં ૧૮ વર્ષથી લઈને ૪૪ વર્ષ સુધીના લોકો વૅક્સિન લેવા ઊભા રહ્યા હતા. બીજી બાજુ તેમની સાથે ૪૫ વર્ષની વધુ ઉંમરના લોકો સહિત સિનિયર સિટિઝનો પણ લાઇનમાં ઊભા રહી રહ્યા હતા. સેવન હિલ્સ હૉસ્પિટલના વૅક્સિનેશન સેન્ટરમાં સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું હતું કે જેમનું રજિસ્ટ્રેશન હશે તેમને જ વૅક્સિન મળશે. એમ છતાં અનેક લોકોએ વૅક્સિન મેળવવાના નિષ્ફળ પ્રયાસો કરી લાઇન લગાવીને સોશ્યલ ડિસ્ટસ્ટિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. 

મુંબઈનાં વૅક્સિનેશન સેન્ટરોમાં હાલમાં ૧૮ વર્ષથી લઈને ૪૪ વર્ષના વયજૂથના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. એ અનુસાર અંધેરીમાં આવેલી બીએમસીની સેવન હિલ્સ હૉસ્પિટલમાં ૨૦૦ લોકોને વૅક્સિન આપવાની હતી. જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને જ વૅ​ક્સિન મળી રહી હતી. આવી પરિસ્થિતિ હોવા છતાં ત્યાં ૫૦૦થી વધુ લોકો લાંબી લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. લાઇનમાં ઊભેલા અનેક લોકોને તો એ પણ ખબર નહોતી કે તેમને વૅક્સિન મળશે કે નહીં, પરંતુ ચાન્સ હશે તો વૅક્સિન મળી જશે એવા વિચારે અહીં આવીને લાઇન લગાડી રહ્યા હતા. 

હૉસ્પિટલની બહાર લાઇન લગાવીને ઊભેલા લોકોને વારંવાર અનાઉન્સમેન્ટ કરીને કહેવામાં આવી રહ્યું હતું કે ૧૮થી ૪૪ વચ્ચેની ઉંમરના લોકોએ જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ લાઇનમાં ઊભા રહે અને અન્ય લોકોને વૅક્સિન નહીં મળે. 

સેન્ટર પર આવેલા ધર્મેન્દ્ર દોશીએ જણાવ્યું હતું કે ‘રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી અમે લોકો સેન્ટર પર પહોંચ્યા હતા, પરંતુ સેન્ટર પર પહોંચ્યા ત્યારે જોયું કે ત્યાં તો મોટી સંખ્યામાં લોકો લાઇન લગાવીને ઊભા હતા. આ લાઇન જોઈને નંબર આવશે કે નહીં એ વિચારમાં સેન્ટરથી ફરી ઘરે જતો રહ્યો હતો.’

સિનિયર સિટિઝન ઉષા દવેએ જણાવ્યું હતું કે ‘સિનિયર સિટિઝનને વૅક્સિનેશન મળશે નહીં એ તો અમને ખબર જ નહોતી. વૅક્સિનેશનનો બીજા ડોઝ મેળવવા છેલ્લા ઘણા દિવસથી અમે હેરાન થઈ રહ્યા છીએ અને જ્યાં-ત્યાં વૅક્સિન મેળવવા ધક્કા ખાઈ રહ્યા છીએ, પરંતુ બીજો ડોઝ મળતો ન હોવાથી હવે શું કરીએ એ સમજાતું નથી.’

લાઇનમાં ઊભેલી અને અંધેરી (વેસ્ટ)માં રહેતી ૩૦ વર્ષની નંદિની જૈને કહ્યું હતું કે ‘રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છીએ, પણ એ થઈ રહ્યું ન હોવાથી સેન્ટર પર સીધા આવ્યાં હતાં. જોકે અહીં અનાઉન્સમેન્ટ કરાઈ રહ્યું હતું કે જેમનું રજિસ્ટ્રેશન થયું હશે એમને જ વૅક્સિન મળશે. વૅક્સિન લેવા અમે ઉત્સાહિત છીએ. અહીં ફક્ત ૨૦૦ જેટલી ‍વૅક્સિન હતી, પરંતુ એની સામે ૫૦૦થી વધુ લોકો લાઇનમાં જોવા મળી રહ્યા હતા.’

mumbai mumbai news coronavirus covid19 preeti khuman-thakur