04 July, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ૨૦૨૨થી અત્યાર સુધીમાં લોકલ ટ્રેનમાં મોબાઇલચોરીના કુલ ૩૭,૩૯૮ કેસ નોંધાયા છે. ત્રણ વર્ષમાં ૧૬,૧૫૪ કેસ જ સૉલ્વ થઈ શક્યા છે. ૨૦૨૫માં અત્યાર સુધીમાં મોબાઇલચોરીના ૩૫૦૮ કેસ નોંધાયા છે એટલે એક દિવસમાં સરેરાશ ૧૩૫ મોબાઇલ ચોરાય છે. આ વર્ષે ૧૪૧૧ મોબાઇલ પાછા મેળવી શકાયા છે.
GRPના અધિકારીએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગે મુસાફરોને મોબાઇલ ચોરાયાના અમુક સમય પછી જાણ થાય છે કે તેમનો મોબાઇલ ચોરાઈ ગયો છે. લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મ પર વધુ પડતી ભીડને કારણે ચોરીના બનાવો વધુ બને છે. મુંબઈના લોકલ ટ્રેન નેટવર્કમાં સૌથી વધુ મોબાઇલચોરીના બનાવ કલ્યાણ અને કુર્લા સ્ટેશન પર નોંધાય છે. આ બે સ્ટેશન પર પોલીસની હાજરી પણ વધુ હોય છે છતાં ચોરીના બનાવો કાબૂમાં આવતા નથી.’
રેલવે પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચોરોની નાની-નાની ગૅન્ગ સાથે મળીને મોબાઇલ ચોરે છે. તાજેતરમાં જ આવી એક ગૅન્ગના મેમ્બરને પકડવામાં આવ્યો હતો. ત્યાર પછી થોડા સમય માટે ચોરીના બનાવોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જો મોબાઇલ ચોરાયાની જાણ તાત્કાલિક થાય તો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની મદદથી ચોરને પકડી શકાય છે.’