18 November, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી શિવાજી ગાયકવાડ અને પીડિત સુરેશ શર્મા
આ વર્ષે મુંબઈ લોકલ ટ્રેનમાં ચાકુ દ્વારા થતા હુમલાના અનેક મામલા સામે આવ્યા છે અને એમાં એકનો જીવ પણ ગયો છે ત્યારે ૧૫ નવેમ્બરે ફરી એક વખત વિરારથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનમાં ચાકુ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બની હતી. વિરાર-ચર્ચગેટ ફાસ્ટ લોકલમાં બે જણ વચ્ચે થયેલા ઝઘડામાં ચાકુ ફેંકીને કરવામાં આવેલા હુમલામાં એ ચાકુ ત્રીજી વ્યક્તિની છાતીના વચલા ભાગમાં ઘૂસી ગયું હતું. આ ઘટના બપોરે ૧૨.૧૨ વાગ્યાની આસપાસ બની હતી.
આ ઘટના અંધેરી સ્ટેશન નજીક બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. અંધેરી સ્ટેશન આવતાં જ એક મુસાફર શિવાજી ગાયકવાડ ટ્રેનમાંથી ઊતરી ગયો હતો છતાં ટ્રેનમાં બેઠેલા મુસાફરે ગાળો બોલવાનું ચાલુ જ રાખ્યું એથી ગુસ્સામાં શિવાજીએ પ્લૅટફૉર્મ પરથી જ એ મુસાફર પર છૂટું ચપ્પુ ફેંક્યું. બરાબર એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ અને એ ડબ્બામાં મુસાફરી કરતા મૂળ ઝારખંડના હઝારીબાગના તથા હાલ સાયનમાં રહેતા ૫૩ વર્ષના સુરેશ શર્માની છાતીમાં ઘૂસી ગયું અને તે લોહીલૂહાણ થઈ ગયા હતા.
આ ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી નીકળી ગયો હતો. ચેઇન પુલિંગ કરવામાં આવી ત્યાર પછી ટ્રેન બાંદરા સ્ટેશન પર ઊભી રહી હતી. બાંદરા રેલવે-પોલીસે આ મામલે પચીસ વર્ષના આરોપી નાશિકના રહેવાસી શિવાજી ગાયકવાડની ધરપકડ કરી હતી. બાંદરા રેલવે-સ્ટેશન પર સુરેશ શર્માને પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યાર બાદ તેને વધુ સારવાર માટે ભાભા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે તેની હાલત સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની ધરપકડ કરાયા બાદ તેને બાંદરા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે આરોપી શિવાજી ગાયકવાડ ઘટના બની એ વખતે દારૂના નશામાં હતો. પોલીસે જણાવ્યું હતું કે શિવાજી ગાયકવાડ તેના એક સાથીદાર સાથે ટ્રેનમાં ચડ્યા હતો અને બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતાં મામલો ઝઘડા સુધી પહોંચી ગયો હતો.
આખી ઘટના વિશે જણાવતાં સુરેશ શર્માએ જણાવ્યું હતું કે ‘ટ્રેન બાંદરા પહોંચી ત્યાં સુધી હું લગભગ બેભાન થઈ ગયો હતો. ચાકુ મારી છાતીમાં જમણી બાજુ લગભગ એક ઇંચ સુધી ઘૂસી ગયું હતું. મને ભાભા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર આપવામાં આવી અને ૩ ટાંકા પણ લેવામાં આવ્યા પછી અંધેરી લઈ જઈને મારું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આજે પણ હું બોલું છું તો મને છાતીમાં દુઃખાવો થાય છે. મને પછીથી જાણ કરવામાં આવી હતી કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે’. ઉલ્લેખનીય છે કે સુરેશ શર્માએ ૧૧.૫૮ વાગ્યે બોરીવલી સ્ટેશનથી ચર્ચગેટ જતી ફાસ્ટ ટ્રેન પકડી હતી.
૪ નવેમ્બરે મહિલા-પ્રવાસીની છેડતી કરનારાએ મહિલાને પ્લૅટફૉર્મ પર ધક્કો મારતાં પડી જતાં મહિલાને માથામાં ટાંકા આવ્યા અને ડાબો હાથ કાંડા સુધી કાપી નાખવો પડ્યો.
૨૦ ઑગસ્ટે દિવ્યાંગો માટે અનામત જગ્યા પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં ૬૨ વર્ષના પ્રવાસીને બાંદરા-માહિમ વચ્ચે ટ્રેનમાંથી ધક્કો મારી દેવાતાં તેનું મૃત્યુ થયું હતું.
ઑગસ્ટ મહિનામાં દરવાજા પરથી બાજુ ખસવા માટે કહેતાં રોષે ભરાયેલા પ્રવાસીએ ૨૪ વર્ષના યુવકને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
૧૫ જુલાઈએ અંબરનાથ જતી ટ્રેનના લગેજ ડબ્બામાં સીટ મુદ્દે પ્રવાસીઓ વચ્ચે મારામારી થતાં અનેક જણ જખમી થયા. સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
૧૧ જૂને CSMTથી ખપોલી જતી ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે ઝઘડો થતાં ૨૬ વર્ષના યુવકની મારપીટ કરી તેને પેટમાં ધારદાર શસ્ત્ર ઘુસાડવામાં આવ્યું હતું.
૨૩ જૂને લોકલ ટ્રેનમાં ૩૦ વર્ષના આરોપી રોશન સુવર્ણાએ ટ્રેનનો દરવાજો બંધ કરવા બાબતે થયેલા વિવાદને પગલે બાવીસ વર્ષના વિરારના રહેવાસી મયંક લોહાર પર છરીથી હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું.
પચીસ જાન્યુઆરીએ મલાડ સ્ટેશન પર અત્યંત ભીડવાળી ટ્રેનમાં જગ્યાને લઈને બોલાચાલી થતાં ૩૩ વર્ષના પ્રોફેસરને ૨૭ વર્ષના મજૂરે ચાકુથી હુમલો કરી મારી નાખ્યો હતો.
૧૮ જુલાઈએ અંબરનાથમાં પોતાનો ફોન ચોરી થતો બચાવવાના પ્રયાસમાં ૩૦ વર્ષના પ્રવાસીએ સંતુલન ગુમાવ્યું હતું અને તેણે આ ઘટનામાં પગ ગુમાવવો પડ્યો હતો.
- સમિઉલ્લા ખાન અને રાજેન્દ્ર બી. અકલેકર