દારૂની હોમ ડિલિવરી : ખોટા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા છેતરપિંડી

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Agencies

દારૂની હોમ ડિલિવરી : ખોટા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારે ગયા અઠવાડિયે દારૂની બાટલીઓની હોમ ડિલિવરીની છૂટ આપ્યા પછી ઘણા લોકોએ ઓર્ડર્સ આપવા માટે ખોટા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા છેતરપિંડીની ફરિયાદો નોંધાવી છે. ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જાણીતી વાઇન શૉપ્સને નામે અકાઉન્ટ્સ શરૂ કરીને હોમ ડિલિવરી માટે એમણે આપેલા ચોક્કસ મોબાઇલ ફોન નંબર્સ પર ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કરવાની સૂચનાઓ આપવામાં આવે છે.

ફેસબુક અકાઉન્ટમાં અપાયેલા ફોન નંબર પર જુહુ વિસ્તારની એક વાઇન શૉપમાં ૪૦,૦૦૦ રૂપિયાના ઓર્ડર્સ નોંધાવનારા એક ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે ‘ઓર્ડર લેનાર વ્યક્તિએ પાંચ હજાર રૂપિયા ટૉકન આપીને બાકીની રકમ ડિલિવરી વેળા કરવા જણાવ્યું હતું. મેં પાંચ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા, ત્યારપછી તપાસ કરતાં એ લોકો જુહુ કે મુંબઈના નહીં પણ પશ્ચિમ બંગાળના આસનસોલથી ફોન પર વાત કરતા હોવાનું જાણવા મળ્યું હતું.’

નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મેં ફેસબુક પર આપેલો જાણીતી વાઇન શૉપનો નંબર ડાયલ કર્યો હતો. ફોન પર સામેની વ્યક્તિએ ફક્ત ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કરવા જણાવ્યું હતું. મને શંકા પડી હતી. એ વ્યક્તિએ મને વન ટાઇમ પાસવર્ડ (OTP) એને જણાવવાનું કહ્યું હતું. મેં ૧૪૦૦ રૂપિયાના દારૂનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ એ લોકો ફ્રોડસ્ટર્સ હતા.’

એક ભૂતપૂર્વ વિધાનસભ્યે જણાવ્યું હતું કે ‘કેટલાક મિત્રોએ મને આવી છેતરપિંડીની વાત જણાવી છે. આ છેતરપિંડી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ દ્વારા ચાલે છે. ઠગ લોકો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના નંબર્સ અને CVV ડિટેઇલ્સ લઈ લે છે અને જાણકારી ન ધરાવતા ગ્રાહકોને છેતરે છે. મેં આ બાબતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર દ્વારા પોલીસને જાણ કરીને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કૌભાંડની તપાસ કરાવવાનો અનુરોધ કર્યો છે.’

mumbai mumbai news maharashtra coronavirus lockdown