3 દિવસના વરસાદમાં મુંબઈનાં જળાશયોમાં 7 દિવસ ચાલે એટલું પાણી એકઠું થયું

01 July, 2019 11:31 AM IST  |  મુંબઈ

3 દિવસના વરસાદમાં મુંબઈનાં જળાશયોમાં 7 દિવસ ચાલે એટલું પાણી એકઠું થયું

શુક્રવારથી શરૂ થયેલા ચોમાસામાં મુંબઈ ઉપરાંત થાણેમાં સારો વરસાદ નોંધાતા શહેરમાં પીવાનાં પાણીની ચિંતા ઓછી થાય એવા સમાચાર છે. ત્રણ દિવસના વરસાદમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં સાતેય જળાશયમાં સાત દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું છે. પહેલા દિવસે ૫૮૦૦ એમએલડી, બીજા દિવસે ૯૦૦૦ એમએલડી અને ત્રીજા દિવસ એટલે કે રવિવારની સવાર સુધી ૧૪,૦૦૦ એમએલડી મળીને કુલ ૨૮,૦૦૦ એમએલડી નવું પાણી આવ્યું છે. મુંબઈને આ જળાશયોમાંથી દરરોજ અંદાજે ૪૦૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે. જોકે હવામાન ખાતાએ કરેલી રવિવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ફરી એક વખત ખોટી ઠરી છે. આખો દિવસ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. કોલાબામાં ૧૫.૮ મિલિમીટર અને સાંતાક્રુઝમાં ૯.૨ મિલિમીટર વરસાદ જ નોંધાયો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના ભાંડુપમાં આવેલા હાઈડ્રોલિક એન્જિનિયર વિભાગના માસ્ટર કન્ટ્રોલ સેન્ટર દ્વારા રવિવારે સવાર સુધી શહેરને પાણી પૂરું પાડતાં સાતેય તળાવમાં કેટલો વરસાદ નોંધાયો અને પાણીની સપાટીમાં કેટલો વધારો થયો એની માહિતી જાહેર કરવામાં આવી હતી.

અપર વૈતરણામાં ગત ૨૪ કલાકમાં ૨૦ મિલિમીટર વરસાદ નોંધાવાની સાથે ૦.૨૮ મીટર પાણીની આવક થઈ હતી. મોડક સાગરમાં ૬૩ મિલિમીટર વરસાદ અને ૦.૧૫ મીટર પાણીની આવક થઈ હતી. તાનસામાં ૮૯ મિલિમીટર વરસાદ અને ૦.૩૮ મીટર પાણીની આવક થઈ હતી. મિડલ વૈતરણામાં ૩૨ મિલિમીટર વરસાદ અને ૦.૬૩ મીટર પાણીની આવક થઈ હતી. ભાતસામાં ૭૪ મિલિમીટર વરસાદ નોંધાવાની સાથે ૦.૮૯ મીટર પાણીની આવક થઈ હતી. વિહારમાં ૮૩ મિલિમીટર વરસાદની સાથે ૦.૨૭ મીટર પાણીની આવક થઈ હતી અને તુલસીમાં ૮૫ મિલિમીટર વરસાદની સાથે ૦.૩૯ મીટર પાણીની આવક થઈ હતી.

મુંબઈમાં છૂટોછવાયો વરસાદ

ભારે વરસાદની આગાહી સાથે શહેરમાં રવિવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સવારના ૮થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન કોલાબામાં ૧૫.૮ મિલિમીટર તો સાંતાક્રુઝમાં ૯.૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. તળ મુંબઈમાં ૨૦.૧૬, પૂર્વના ઉપનગરમાં ૧૯.૮૬ તો પશ્ચિમના ઉપનગરમાં ૯.૭૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતા દ્વારા સોમવારે કેટલેક સ્થળે હળવાથી ભારે વરસાદની સાથે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વાહ મુંબઈથી આહ મુંબઈ..જુઓ વરસાદે કેવી રીતે વધારી મુંબઈકરાઓની મુશ્કેલી

૩૯ ઝાડ કે ડાળીઓ પડી

વરસાદ અને જોરદાર પવનને લીધે રવિવારે તળ મુંબઈમાં ૧૭, પશ્ચિમના ઉપનગરમાં ૧૭ અને પૂર્વના ઉપનગરમાં ૫ મળીને ઝાડ કે ઝાડની ડાળીઓ તૂટી પડવાના કુલ ૩૯ બનાવ બન્યા હતા.

mumbai rains mumbai mumbai news