મુંબઈના કચ્છી જૈન યુવાન દિનેશ કારિયા રોજ શ્વાનને ખવડાવે છે 100 રોટલી

06 June, 2019 12:50 PM IST  |  મુંબઈ

મુંબઈના કચ્છી જૈન યુવાન દિનેશ કારિયા રોજ શ્વાનને ખવડાવે છે 100 રોટલી

જૈન ધર્મમાં જીવદયાનું મહત્વ ખૂબ જ વધુ છે. જૈન ધર્મ અહિંસામાં દ્રઢ પણે માને છે. અને જૈન સમુદાયના લોકો માટે પણ જીવદયા જાણે રગેરગમાં વસેલી હોય છે. તમે જો તમારી આસપાસમાં રહેતા જૈન લોકોનું ઓબ્ઝર્વેશન કર્યું હશે તો તમને દેખાશે કે તેઓ હંમેશા અબોલ જીવ માટે કંઈકનું કંઈક કરતા જ હશે. આજે વાત કરીએ આવા જ એક જૈન યુવાનની, જે છેલ્લા 6 વર્ષથી સતત શ્વાનની સેવા કરે છે, કાગડાને ગાંઠિયા ખવડાવે છે અને અબોલ જીવોને પાણી પીવડાવે છે.

છ વર્ષથી કરે છે જીવદયાનું કામ

મુંબઈમાં રહેતા મૂળ કચ્છી યુવાન દિનેશ કારિયા છેલ્લા છ વર્ષથી જીવદયાનું આ કામ કરે છે, અને એ પણ એક પણ દિવસ રજા પાડ્યા વગર. દિનેશભાઈનું કહેવું છે કે,'જીવદયા એ તો આપણો ધર્મ છે. અને એમાંય અમે જૈન છીએ, તો અમારા માટે તો જીવદયા સૌથી અગત્યની છે.' ગોરેગાંવના આરે કોલોની વિસ્તારમાં રહેતા દિનેશ કારિયા અહીં જ હાર્ડવેરની દુકાન ચલાવે છે. દિનેશભાઈ રોજ સવારે મોર્નિંગ વૉકમાં નીકળે ત્યારે 100 રોટલી, 2 કિલો ગાંઠિયા અને 20 લિટર પાણી ગાડીમાં જોડે લઈને નીકળે છે.

જોઈને જ ભેગા થઈ જાય છે શ્વાન

આરે કોલોની રોડ પર કાર પાર્ક કરીને તેઓ મોર્નિંગ વૉકમાં નીકળે, અને શ્વાનોને રોટલી જમાડે છે. પહેલા શ્વાનને રોટલી, પછી પાણી પીવડાવે. અને આ દરમિયાન કાગડા તેમજ બતકને ગાંઠિયા ખવડાવે છે. દિનેશભાઈનું કહેવું છે કે અહીં છોટા કાશ્મીર બોટિંગ ક્લબ છે. ત્યાં તળાવ પાસે પહેલા થોડાક શ્વાનને રોટલી આપું અને પછી આગળના રોડ પર જઈને બાકીની રોટલી શ્વાનને ખવડાવી દઉં. છ છ વર્ષથી જીવ દયા પાછળ જીવ રેડી દેતા દિનેશભાઈને હવે શ્વાન અને કાગડા પણ બરાબર ઓળખી ગયા છે. તેમના ત્યાં જતા જ કાગડા અને શ્વાન તરત જ ભેગા થઈ જાય છે.

જીવદયા એ ફરજ છે

દિનેશભાઈનું કહેવું છે કે,'આર એ કોલોની રોડ પર હું મોર્નિંગ વૉક કરવા જતો હતો. ત્યારે કેટલાક લોકો અહીં શ્વાનોને ખવડાવતા હતા. એ જોઈને મેં પણ કામ શરૂ કર્યું. અને બસ 6 વર્ષથી કરુ છું. મજા આવે છે.' વધુમાં દિનેશભાઈનું કહેવું છે કે ફક્ત જૈનોએ જ નહીં જીવદયા બધાએ જ કરવી જોઈએ. આ આપણી ફરજ છે. વધુમાં વધુ અબોલ જીવોને મદદરૂપ થઈ શકાય એવું કામ દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન

મૂળ ભચાઉના છે દિનેશભાઈ

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કારિયા મૂળ કચ્છા ભચાઉ ગામના વતની છે. અને ગોરેગાંવમાં જ તેઓ હાર્ડવેરની દુકાન ચલાવે છે. દિનેશભાઈની સાથે તેમના મિત્ર છબીલ યાદવ પણ રોજ શ્વાનને રોટલી ખવડાવવા નીકળે છે. ક્યારેક ક્યારેક દિનેશભાઈનો પરિવાર પણ તેમની સાથે આવી જાય છે. જ્યારે વરસાદ હોય ત્યારે શ્વાન નથી મળતા, જો કે દિનેશભાઈ પોતાની આ સેવામાં રજા નથી પાડતા. દિનેશભાઈ કહે છે કે વરસાદ હોય તો પછી છોટા કાશ્મીર તળાવમાં માછલીઓને રોટલીના ટુકડા ખવડાવું છું.'

mumbai kutch goregaon news