કુર્લાની હૉસ્પિટલે બાર કલાક સુધી ટીનેજરનો મૃતદેહ અટકાવી રાખ્યો

24 January, 2020 10:07 AM IST  |  Mumbai | Arita Sarkar

કુર્લાની હૉસ્પિટલે બાર કલાક સુધી ટીનેજરનો મૃતદેહ અટકાવી રાખ્યો

પૂજા રાજભર

કુર્લાની કોહિનૂર હૉસ્પિટલે બિલની રકમ વસૂલ કરવા માટે ૧૩ વર્ષની પૂજા રાજભરનો મૃતદેહ ૧૨ કલાક રોકી રાખ્યો હતો. કુર્લાના આંબેડકરનગરની રહેવાસી પૂજાની ૩૬ વર્ષની મમ્મી ઊર્મિલા દીકરીના મૃત્યુના આઘાતથી બેબાકળી બની ગઈ હોવા છતાં તેણે મૃતદેહ મેળવવા માટે હૉસ્પિટલના અધિકારીઓ સાથે ઝઘડવું પડ્યું હતું. મુંબઈ વડી અદાલતના ૨૦૧૮ના એક ચુકાદા મુજબ બિલની બાકી રકમ વસૂલ કરવા માટે દરદીઓને રોકી રાખવાનું કૃત્ય ગેરકાનૂની છે.

સિંગલ મધર ઊર્મિલાનાં પાંચ સંતાનોમાં સૌથી નાની પૂજાને એક મહિનાથી તાવ આવતો હતો. જુદી-જુદી ટેસ્ટ કરાવ્યા છતાં ડૉક્ટરો રોગના નિદાન-ઉપચાર કરી શક્યા નહોતા. ડૉક્ટરોએ પૂજાનું સીટી-સ્કૅન કરાવવાનું કહેતાં મમ્મી ઊર્મિલા તેને ૧૮ જાન્યુઆરીએ કોહિનૂર હૉસ્પિટલ લઈ ગઈ હતી. સીટી-સ્કૅન સોમવારે જ કરી શકાશે એવું કહીને ડૉક્ટરોએ પૂજાને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે સીટી-સ્કૅન મોંઘું છે. પરંતુ કેટલો ખર્ચ થશે એ કહ્યું નહોતું. બીજા દિવસ (રવિવાર)ના અંતે હૉસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. ઊર્મિલાએ સગાંસંબંધી-પાડોશીઓ પાસેથી ઉધાર લઈને ૯૦,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા. સોમવારે પૂજાની તબિયત સતત કથળતી જતી હતી. ઊર્મિલાએ જણાવ્યા પ્રમાણે ગઈ કાલે પરોઢ પૂર્વે ૨.૩૦ વાગ્યે ડૉક્ટરોએ તેમને બોલાવીને કહ્યું કે પૂજા મૃત્યુ પામી છે, પરંતુ બિલની રકમ પૂરેપૂરી ન ચૂકવાય ત્યાં સુધી તેઓ મૃતદેહ કુટુંબીજનોને નહીં સોંપે એવું હૉસ્પિટલ તરફથી જણાવાયું હતું. પાડોશીઓએ ફાળો ભેગો કરીને ૩૭,૫૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.

ઊર્મિલાના પાડોશીઓમાંથી એક સિરિલ મુથુએ જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલ તરફથી બિલની રકમનું ફુલ પેમેન્ટ માગવામાં આવ્યું હતું. ઊર્મિલાના સગાએ વધુ રકમ ચૂકવવાની ક્ષમતા ન હોવાનું જણાવ્યા પછી સાંજે ૬ વાગ્યે પૂજાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.’

આ પણ વાંચો : બાળ ઠાકરેને જન્મજયંતીએ નરેન્દ્ર મોદી સહિત સેંકડો નેતાઓની શ્રદ્ધાંજલિ

કોહિનૂર હૉસ્પિટલના સિનિયર મૅનેજર મનોજ નાઈકે જણાવ્યું હતું કે ‘મલ્ટિ-ઑર્ગન ફેલ્યર અને સેપ્સિસ શૉકને કારણે પૂજા મૃત્યુ પામી હતી. અમે તેની તબિયત સ્થિર કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેને બચાવી શક્યા નહોતા. કોઈ મૃતદેહનો કબજો મેળવવા આવ્યું ન હોવાથી અમે એ રોકી રાખ્યો હતો. પરિવારે જ્યારે પૈસા ચૂકવવામાં મુશ્કેલી હોવાનું કહ્યું ત્યારે અમે બિલની રકમ પછીથી ચૂકવવાની લેખિત બાંયધરી મેળવીને મૃતદેહ સોંપી દીધો હતો. ઊર્મિલા રાજભરે હૉસ્પિટલને ૯૦,૦૦૦ રૂપિયા ચૂકવવાના બાકી રહે છે.’

kurla bombay high court mumbai news mumbai