મહિલાને રિક્ષામાં રહી ગયેલા ૪.૫ લાખ રૂપિયા પાછા મળ્યા

03 November, 2019 07:46 AM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

મહિલાને રિક્ષામાં રહી ગયેલા ૪.૫ લાખ રૂપિયા પાછા મળ્યા

મુંબઈના ઑટો ચાલકની પ્રામાણિકતા

ભાઇબીજના દિવસે બોરીવલી પોલીસે સાચા અર્થમાં ભાઈની ભૂમિકા ભજવીને ૪.૫ લાખ રૂપિયાની રોકડ-આભૂષણો સહિતની મિલકત તેના અસલ માલિક સુધી પહોંચાડી હતી.

૨૬ વર્ષીય પ્રીતિ ભંડારી શિક્ષિકા છે અને સિંઘ એસ્ટેટ, કાંદિવલી-ઈસ્ટમાં રહે છે. ૨૯ ઑકટોબરે ભાઇબીજ નિમિત્તે તે ચારકોપ ખાતે તેના ભાઈને મળવા ગઈ હતી. તેની પાસે આભૂષણો, રોકડ અને અન્ય મહત્ત્વના દસ્તાવેજો ભરેલી બૅગ હતી. જ્યારે તે ઠાકુર કૉલેજ પાસે રિક્ષામાંથી ઊતરી ત્યારે બૅગ રિક્ષામાં જ ભૂલી ગઈ. ત્યાર બાદ સમતાનગર પોલીસ સ્ટેશનમાં જઈને તેણે આ બનાવની જાણ કરી હતી.

શુક્રવારે બોરીવલી પોલીસને માહિતી મળી હતી કે એક ઑટો ડ્રાઇવર પોતાની રિક્ષામાં રહી ગયેલી બૅગના માલિકને શોધી રહ્યો હતો. પોલીસે સગડ મેળવીને દીપકકુમાર સાઉ નામના રિક્ષા ડ્રાઇવરનો સંપર્ક સાધી તેની તપાસ હાથ ધરી હતી. સાઉએ જણાવ્યું કે તે બૅગ પરત આપવા ઇચ્છતો હતો, પણ પોલીસ સ્ટેશન જવાનું ટાળતો હતો. તે સ્વયં મૂળ માલિકને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

જ્યારે પોલીસને આ અંગેની ફરિયાદ નોંધાવાઈ હોવાનું માલૂમ પડ્યું ત્યારે તેમણે ફરિયાદી યુવતીને બોરીવલી પોલીસ સ્ટેશને બોલાવતા તેણે તરત પોતાની બૅગ ઓળખી બતાવી હતી. પછીથી પોલીસ ઇન્સ્પેક્ટર અરવિંદ ઘાગ, પીએસઆઇ અરુણ સાવંત, નિલેશ મોરે, એએસઆઇ મોહન ભાબલ તથા અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ડુમ્બરેએ બૅગ ભંડારીને પરત કરી હતી.

mumbai kandivli