03 August, 2025 06:54 AM IST | Mumbai | Alpa Nirmal
એક જ જૈન દાતા દ્વારા કરાયેલા આ સન્માન-કાર્યક્રમમાં વિરારથી ચર્ચગેટ અને ફોર્ટથી કલ્યાણ સુધીનાં તેમ જ હાઇવે પર આવેલાં જૈન તીર્થોના સર્વે સ્ટાફનું સર્ટિફિકેટ તથા રોકડ રકમ દ્વારા અનોખું બહુમાન કરવાનું આયોજન છે
જો તમને કોઈ પણ ધર્મસ્થાનકમાં જતાં સુખ-શાંતિ અને સકારાત્મકતાની અનુભૂતિ થતી હોય તો એમાં એ ધાર્મિક સ્થળોએ ફરજ બજાવતા કર્મચારીઓનો મુખ્ય ફાળો હોય છે. પૂજારીઓ, સફાઈ-કર્મચારીઓ, રોજબરોજની વ્યવસ્થા સાચવતા ઑફિસ-સ્ટાફની અવિરત મહેનતથી એ ધર્મસ્થાનની પવિત્રતા જળવાઈ રહે છે અને અહીં આવનારને સુકૂનની લાગણી થાય છે. એ જ રીતે જૈનધર્મીઓ દ્વારા કરવામાં આવતાં અઘરાં આયંબિલ તપ જો સરળતાથી થાય તો એની પાછળ દેવ-ગુરુની કૃપા ઉપરાંત આયંબિલ શાળામાં રસોઈ કરતા રસોઈયાઓ, પીરસણિયાઓનો પણ સપોર્ટ હોય છે. તેલ-ઘી, મસાલા, દૂધ-દહીં, શાકભાજી વગર ફક્ત દાળ, કઠોળ અને અનાજમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરી તેઓ એ તપ કરનારને બળ પ્રદાન કરે છે.
વેલ, આવા જ ભાવથી મુંબઈભરના તમામ જૈન સંઘના ધર્મસેવકો (સ્ટાફ)નું બહુમાન કરવાનું અનન્ય આયોજન થયું હતું. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં આયોજિત કરાયેલા આ કાર્યક્રમની રૂપરેખા વિશે જણાવતાં આચાર્ય શ્રી મુક્તિવલ્લભસૂરિ મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘પૂજારી વગેરે સ્ટાફ પ્રભુનો પરિવાર છે. વહેલી સવારથી રાત સુધી તેઓ પરમાત્માની સમીપ રહે છે. તેમની પૂજાસેવા તથા સ્થાનકોની ચોખ્ખાઈ રાખવાની જવાબદારી તેઓ નિભાવે છે. એ જ રીતે ભક્તોને પ્રભુએ જણાવેલાં તપ, ધર્મક્રિયા, સાધના આદિ કરવા માટે ઉપાશ્રય આયંબિલ શાળાનો સ્ટાફ કાર્યરત રહે છે. આ દરેક વ્યક્તિ વગર ધર્મઆરાધના કરવી શક્ય નથી. આથી જૈન શ્રાવક તેમનો ઋણી છે. પગાર લઈને કામ કરતા હોવા છતાં આ વ્યક્તિઓ ભાવિકોને પુણ્ય ઉપાર્જનમાં સહાયભૂત બની રહે છે એટલે તેમની સેવાઓને નવાજવા આ કાર્યક્રમનું આયોજન થયું હતું.’
વારતહેવારે કે વિશિષ્ટ પ્રસંગોએ અનેક સંઘોમાં સ્ટાફનું બહુમાન થાય કે તેમને ભેટ-બક્ષિસ અપાય, પરંતુ સમસ્ત મુંબઈના સંઘોના કર્મચારીઓનું સન્માન પ્રથમ વખત જ કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી મુક્તિવલ્લભસૂરિ મ.સા.એ કહ્યું હતું કે ‘એ જૈન દાતાએ પહેલાં સમસ્ત મુંબઈની જૈન પાઠશાળાના શિક્ષકોનું બહુમાન કર્યું હતું. ત્યાર પછી તેમને ઇચ્છા થઈ કે સંઘોના કર્મચારીઓ પણ એટલા જ મહત્ત્વના છે એથી મુંબઈના જૈન યુવાનોનાં વિવિધ ગ્રુપ, મંડળો, ધામ વગેરે પાસેથી દરેક દેરાસર-ઉપાશ્રય અને એના સ્ટાફની વિગતો મગાવાઈ હતી અને એનો ડેટા બનાવવામાં આવ્યો અને આખા કાર્યક્રમને ડિઝાઇન કરવામાં આવ્યો. આ સમારોહ ૩૧ જુલાઈ, ૧, ૨, ૩ ઑગસ્ટ દરમ્યાન ૬ તબક્કામાં યોજાયો છે. ૩૧ જુલાઈએ મલાડ-ઈસ્ટમાં પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર આવેલાં જૈન તીર્થો તેમ જ વિરારથી બોરીવલી સુધીના ૧૨૮ સંઘો, આ જ સ્થળે ૧ ઑગસ્ટે કાંદિવલીથી જોગેશ્વરીના ૫૬ સંઘો તેમ જ ઘાટકોપર-ઈસ્ટમાં સાયનથી થાણેના ૬૬ સંઘો મળીને કુલ ૧૬૦૭ કર્મચારીઓને પ્રમાણપત્ર તથા પૂજારીઓ અને ઑફિસ-સ્ટાફને ૫૦૦૦ રૂપિયા તેમ જ અન્ય સહાયકો, સફાઈ-કર્મચારીઓ, વૉચમૅન સહિત અન્ય કામદારોને ૨૫૦૦ રૂપિયાના ચેક અપાયા હતા. એ જ રીતે બીજી ઑગસ્ટે ઇર્લામાં અંધેરીથી માટુંગા, ૩ ઑગસ્ટે ભાયખલામાં દાદરથી ચર્ચગેટ અને CSMTથી માટુંગા (સેન્ટ્રલ)ના ૧૬૦ સંઘો તથા કલવાથી ભિવંડીના ૯૬ સંઘોના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવશે.
જૈન સંસ્થામાં કાર્યરત ધર્મસેવકો જૈન નથી. વળી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરલા, બંગાળ, છત્તીસગઢ ઈવન નેપાલના પણ છે. આચાર્યશ્રીએ પધારેલા સર્વે જૈન ધર્મસેવકોની સેવાને બિરદાવતાં કહ્યું હતું, ‘પૂજારી અને પરમેશ્વર પ્રત્યેનાં અનેક ઉદાહરણો જૈન શાસ્ત્રમાં નોંધાયેલાં છે. દરરોજ દેરાસરમાં સવાર-સાંજ પ્રભુની આરતી થાય છે. એ વખતે ગવાતી આરતી એક પૂજારીએ જ બનાવી છે. કોઈ વિદ્વાન સાધુને સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું એ પૂજારીને મળ્યું છે. આ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે કે જૈન ધર્મમાં પૂજારીઓને પણ મહત્ત્વ અપાયું છે.’
એ સાથે જ તેમણે સર્વે કર્મચારીઓને માંસાહાર, શરાબ-સેવન અન્ય વ્યસન છોડવાની હિમાયત કરી હતી.
આ બંગાળી પૂજારી સંઘમાં ચૌદસનું પ્રતિક્રમણ કરાવે છે
જૈન ધર્મમાં પ્રતિક્રમણ (રાતે અને સવારે પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની ક્રિયા) અત્યંત મહત્ત્વની ક્રિયા છે. એમાં પૂર્વેના બહુશ્રુત આચાર્યોએ સૂચવેલી વિધિ અનુસાર પ્રાકૃત, સંસ્કૃત શ્લોકો-સૂત્રો બોલાય છે. દર પંદર દિવસે આવતી ચૌદસે વિશેષ પ્રતિક્રમણ થાય છે જેમાં ૧૫ દિવસનાં પાપ આલોવવા વિશેષ અને લાંબાં સૂત્રો બોલાય છે. આ સૂત્રો મોઢે કરવાં અઘરાં છે. કાંદિવલી-વેસ્ટના શીતલનાથ જૈન સંઘમાં કોઈ જૈન શ્રાવકને પાક્ષિક પ્રતિક્રમણનાં સૂત્રો ન આવડતાં હોવાથી સાધુમહારાજની ગેરહાજરીમાં પૂજારી પ્રવીણ માંઝી જૈન ભાઈઓને પ્રતિક્રમણ કરાવે છે. જન્મે બંગાળી હોવા છતાં આ શ્લોક અને સૂત્રો તેમણે કંઠસ્થ કર્યાં છે.