કોવિડ-19 પર લાગી લગામ?

21 June, 2022 08:54 AM IST  |  Mumbai | Prajakta Kasale

ગયા અઠવાડિયાની સરખામણીમાં કેસની વૃદ્ધિનો દર ઘટેલો જોવા મળ્યો છે, પણ અગાઉની વેવમાં પણ ઉછાળા પહેલાં આવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો

મહિલાની કોવિડ ટેસ્ટ માટે સ્વૅબ લઈ રહેલી હેલ્થ કાર્યકર

કોવિડ-19ના કેસમાં વૃદ્ધિનો દર મુંબઈમાં ઘટી રહ્યો છે. ગયા અઠવાડિયે અગાઉના અઠવાડિયાની તુલનાએ કેસની સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ હતી, પરંત વૃદ્ધિનો દર ૧૨૫ ટકાથી ઘટીને ૨૮ ટકાએ રહ્યો હતો. અગાઉની લહેરમાં પણ કેસનો વૃદ્ધિદર ઘટ્યા બાદ  સંક્રમણ સર્વોચ્ચ સ્તરે રહ્યું હતું અને ત્યાર બાદ સરેરાશ કેસ પણ ઘટ્યા હતા. જોકે અધિકારીઓ કોઈ પણ નિર્ણય પર આવતાં પહેલાં એક અઠવાડિયું રાહ જોવાની તરફેણમાં છે.

કોવિડના કેસમાં વર્તમાન ઉછાળો અગાઉના તરંગોના વલણને અનુસરે છે કે નહીં એ જોવાનું વધુ રસપ્રદ રહેશે. શહેરમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. હૉસ્પિટલાઇઝેશન અને ગંભીર પેશન્ટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે. જૂનમાં આજની તારીખ સુધી ૧૭ મૃત્યુ નોંધાયાં છે, જે માર્ચ મહિનામાં નોંધાયેલાં ત્રણ કે ચાર મૃત્યુની તુલનાએ વધુ છે. જો કેસમાં વૃદ્ધિના અગાઉના દરને ધ્યાનમાં લઈએ તો પરિસ્થિતિમાં હવે સુધારો થઈ શકે છે.

મેની ૩૦થી પાંચમી જૂન દરમ્યાન ૪૮૮૦ કેસ નોંધાયા હતા, જે અગાઉના અઠવાડિયાની તુલનાએ બમણા હતા. ત્યાર બાદના અઠવાડિયે પણ કેસમાં બમણો ઉછાળો નોંધાયો હતો. જોકે ૧૯ જૂને પૂરા થયેલા અઠવાડિયામાં કેસમાં વધારાનો દર ઘટીને માત્ર ૨૮ ટકા નોંધાયો હતો. 

ત્રીજી લહેરમાં પણ એટલે કે ૯થી ૧૧ જાન્યુઆરી દરમ્યાન કેસમાં આ જ પ્રકારે વૃદ્ધિ નોંધાઈ હતી. ૩થી ૯ જાન્યુઆરી દરમ્યાનના અઠવાડિયામાં કેસના વૃદ્ધિદરમાં ત્રણથી છ ગણો વધારો જોવા મળ્યો હતો. બીજી લહેર દરમ્યાન પણ આ જ વલણ જોવા મળ્યું હતું. 

કોઈ પણ નિર્ણય પર આવતાં પહેલાં એક અઠવાડિયું રાહ જોવા પર ભાર મૂકતાં સ્ટેટ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર રાહુલ પંડિતે કહ્યું હતું કે આ ટ્રેન્ડ પાછળ અપર્યાપ્ત ટેસ્ટિંગ, મોસમી ફેરફાર તેમ જ અન્ય ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. 

છઠ્ઠીથી બારમી જૂન દરમ્યાન દૈનિક ટેસ્ટ ૧૫,૦૦૦ જેટલી નોંધાઈ હતી, જે ૧૩થી ૧૯ જૂન દરમ્યાન ૧૪,૦૦૦ જેટલી હતી. 

 

mumbai mumbai news coronavirus covid19 prajakta kasale