રાજકારણીઓનાં ગેરકાયદે સ્ટિકર્સ બગાડી રહ્યાં છે મેટ્રોના લુકને

23 May, 2023 08:31 AM IST  |  Mumbai | Ranjeet Jadhav, Nimesh Dave

અંધેરીથી દહિસર વચ્ચેની બંને નવી મેટ્રો લાઇનના પિલર્સ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસનાં પોસ્ટર્સ લગાવાયાં છે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પોસ્ટર્સ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અંધેરીથી દહિસર મેટ્રો લાઇન ૭ના પિલર્સ પર ચોંટાડાયાં છે (તસવીર : નિમેશ દવે)

ફોટોઝ અને બૅનર્સ અંધેરીથી દહિસર મેટ્રો લાઇન ૭ અને દહિસરથી ડી. એન. નગર મેટ્રો લાઇન ૨-એના પિલર્સને ખરાબ કરે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આવકારતાં અનેક રાજકીય તેમ જ બિનરાજકીય સ્ટિકર્સ બંને મેટ્રો લાઇનના પિલર્સ પર ગેરકાયદે ચોંટાડવામાં આવ્યાં છે. મેટ્રો રેલવે ઍક્ટ ૨૦૦૨ મુજબ આ કાર્ય ગુનો છે, જેના માટે છ મહિનાની જેલ કે ૧૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.

મેટ્રો લાઇન ૭ના અનેક પિલર્સ, ખાસ કરીને અંધેરીથી દહિસર વચ્ચેના પર રાજકીય પાર્ટીઓનાં મોટાં સ્ટિકર્સ લગાવાયાં છે. આમાં મેટ્રો પિલર્સ પરના દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને આવકારતાં પોસ્ટર્સ ધ્યાન ખેંચે એવાં છે.

આ ઉપરાંત મુંબઈ ટ્રાફિક વિભાગનો લોગો અને અશ્વિન મલિક મેશરામ ફાઉન્ડેશનના મોટરચાલકોને હંમેશાં સ્પીડ-લિમિટ જાળવવાની વિનંતી કરતાં પોસ્ટર્સ પણ છે. આ સ્ટિકર્સ મેટ્રો લાઇન ૭ તેમ જ મેટ્રો લાઇન ૨-એ પર પણ લગાવાયાં છે. આ ઉપરાંત અનેક પિલર્સ પર G20નાં સ્ટિકર્સ પણ લગાવવામાં આવ્યાં છે.

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ જણાવ્યું હતું કે ‘મેટ્રો ઍક્ટ દ્વારા મેટ્રોના ​પરિસરમાં પોસ્ટર્સ અને સ્ટિકર્સ લગાવવાં ગેરકાયદે હોવા છતાં અનેક રાજકીય પક્ષોએ મેટ્રો લાઇન ૭ તેમ જ મેટ્રો લાઇન ૨એ પર લગાવવાનાં ચાલુ છે. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ)એ મેટ્રોના પિલર્સ કે એની અન્ય મિલકત પર સ્ટિકર્સ કે બૅનર્સ લગાવવા માટે જવાબદાર સામે તત્કાળ પોલીસમાં રિપોર્ટ કરવો જોઈએ.’  

વર્સોવા અંધેરી ઘાટકોપર મેટ્રો લાઇન ૧ની શરૂઆતથી મેટ્રો કૉરિડોર પિલર્સ પર ગેરકાયદે સ્ટિકર્સ અને પોસ્ટર્સની સમસ્યા ચાલુ રહી છે. ખાસ કરીને તહેવારો દરમ્યાન વડાલા, લાલબાગ અને પરેલમાં મોનોરેલના પિલર્સ પર ગેરકાયદે સ્ટિકર્સ ચોંટાડવામાં આવે છે. પોસ્ટર્સ અને બૅનર્સ માટે સારો, મજબૂતીથી ચોંટે એવો ગુંદર વાપરવામાં આવ્યો હોવાથી એને દૂર કરવાનું કામ પડકારજનક સાબિત થાય છે.

૨૦૧૫માં ૭૧ જણને નોટિસ આપવામાં આવી હતી

વર્ષ ૨૦૧૫માં અધિકારીઓએ દુકાનદારો અને રાજકીય પાર્ટીઓના સભ્યો સહિત ૭૧ જણને વર્સોવા-ઘાટકોપર મેટ્રો લાઇન ૧ના પિલર્સ પર પોસ્ટર્સ અને બૅનર્સ લગાવવા માટે નોટિસ મોકલી હતી. નોટિસ છતાં પણ ચેતવણી પ્રત્યે દુર્લક્ષ કરનારા લોકો વિરુદ્ધ ૨૮ પોલીસ-ફરિયાદ કરવામાં આવી છે. 

mumbai mumbai news andheri dahisar mumbai metro indian politics mumbai traffic ranjeet jadhav