કોરોનાનો ભય: એક દર્દી મળે તો આખું હાઇરાઇઝ બિલ્ડિંગ સીલ નહીં કરાય

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોનાનો ભય: એક દર્દી મળે તો આખું હાઇરાઇઝ બિલ્ડિંગ સીલ નહીં કરાય

ફાઈલ તસવીર

મુંબઈ મહાનગરપાલિકાએ નવો નિર્ણય જાહેર કર્યો થયો છે કે જો કોઈ હાઇરાઇઝ બિલ્ડિંગ અથવા સોસાયટીમાં એક કોવિડ-૧૯ પૉઝિટિવ દર્દી હશે તો આખું બિલ્ડિંગ અથ‍વા સોસાયટી સીલ ન કરતાં માત્ર જે-તે ફ્લોર અથવા આસપાસના ફ્લૅટ્સ સીલ કરવામાં આવશે. દર્દી અને તેનો સમગ્ર પરિવાર પૂર્ણપણે હોમ ક્વૉરન્ટીન રહેશે. લો-રાઇઝ બિલ્ડિંગ અથવા સ્લમ વિસ્તાર હશે તો જે-તે બિલ્ડિંગને સીલ કરવામાં આવશે. કોરોના સામે લડવા મહારાષ્ટ્રમાં આ ચોથી વખત લૉકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે પહેલાં એમ થતું કે કોવિડ-૧૯નો એક દર્દી પણ મળી આવે તો આખું બિલ્ડિંગ સીલ કરવામાં આવતું હતું. આ‍વામાં બિલ્ડિંગમાં રહેતા તમામ પરિવારો સુધી ફૂડ પૅકેટ્સ પહોંચાડવાની જવાબદારી બીએમસી પર આવી જતી. હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદીવા સક્ષમ છે, તેમને ફૂડ પૅકેટ્સ આપવાની જરૂર નથી. આને કારણે જે લોકો જરૂરિયાતમંદ છે તેઓ રહી જતા હતા. તેથી પાલિકા પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે કે સાત માળ અથવા એનાથી ઊંચા બિલ્ડિંગમાં જો દર્દી મળી આવશે તો જે-તે ફ્લોર અને આસપાસના ફ્લૅટ્સને જ સીલ કરવામાં આ‍વશે. આવું કરવાથી ફૂડ પૅકેટ્સ બચશે અને જે લોકોને ખરેખર જરૂર છે તેમના સુધી પહોંચાડવામાં આવશે.

કોવિડ-૧૯ પૉઝિટિવ દર્દીઓ હશે ત્યાં રોજ બિલ્ડિંગ સૅનિટાઇઝ થશે

જે બિલ્ડિંગ અથવા સોસાયટીમાંથી કોવિડ-૧૯ના દરદઓ મળી આવશે એ સોસાયટીના ગેટ, લિફ્ટ અને તમામ ફ્લોર રોજેરોજ સૅનિટાઇઝ કરવામાં આવશે. આ નિર્ણય પણ બીએમસી દ્વારા જ લેવામાં આવ્યો હોવાથી તમામ સોસાયટીઓ દ્વારા કડકપણે નિર્ણયનો અમલ કરવાનો રહેશે.

બીએમસીનો નિર્ણય આવકાર્ય

મલાડની રાધેકૃષ્ણ સોસાયટીના ચૅરમૅન જયેશ શાહે કહ્યું હતું કે બીએમસીનો નિર્ણય આવકાર્ય છે. અમને પણ લાગે છે કે મોટી સોસાયટીઓમાં તમામ ફ્લોર સીલ ન કરતાં માત્ર અસરગ્રસ્ત ફ્લોર સીલ કરવામાં વાંધો નથી. માત્ર જે પરિવારમાં દર્દી હશે તેમણે ડબ્લ્યુએચઓના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.

mumbai mumbai news coronavirus covid19 lockdown maharashtra