09 September, 2025 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ના ૧૨૫ વર્ષ જૂના એલ્ફિન્સ્ટન બ્રિજને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. તાજતેરમાં જ મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે આઇકોનિક ગણાતો એલ્ફિન્સ્ટન બ્રિજ એક મોટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે દસ સપ્ટેમ્બરથી વાહનવ્યવહાર માટે બંધ કરવાનું શરુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં આ બ્રીજ બંધ કરવા અંગેની નોટિસ જારી કરવામાં આવી હતી પરંતુ હવે અસરગ્રસ્ત વિસ્તારો અને મુસાફરોના પુનર્વસન માટે જરૂરી પગલાં લેવાનું કામ MMRDA પર હોઈ દસ સપ્ટેમ્બરના રોજ એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે.
એલ્ફિન્સ્ટન બ્રિજને બંધ કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર એ જ છે કે જૂના બ્રિજને (Mumbai) આધુનિક ડબલ ડેકર સ્ટ્રક્ચર સાથે બદલવામાં આવનાર છે. આ એક બહુ જ મોટો પ્રોજેક્ટ છે. એલ્ફિન્સ્ટન બ્રિજ પ્રભાદેવી અને પરેલના વ્યસ્ત સેન્ટ્રલ મુંબઈના વિસ્તારને કનેક્ટ કરે છે. આ બ્રિજ બે મુખ્ય રેલવે સ્ટેશનો એવા પ્રભાદેવી અને પરેલ સાથે કનેક્ટ છે. જે બે અલગ-અલગ રેલવે લાઇનને મદદરૂપ થાય છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) અનુસાર આ લાઇનો દરરોજ અંદાજે 500,000થી 700,000 મુસાફરોને લાભ આપે છે. આ બ્રિજ હંમેશાથી સ્થાનિક રહેવાસીઓ અને ઓફિસ જનારાઓ માટે એક મહત્વપૂર્ણ બની રહેતો આવ્યો છે.
બ્રિજના આસપાસના વિસ્તારોમાં (Mumbai) જૂની ઇમારતો અને આધુનિક વ્યાપારી જગ્યાઓ આવેલી છે. જેમાં મુંબઈની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત કચેરીઓનો સમાવેશ થાય છે. આ બ્રિજની અનેક રહેણાંક કોલોનીઓ, શાળાઓ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને કેઈએમ હોસ્પિટલ જેવી અગ્રણી હોસ્પિટલોની નજીક આવેલો છે. જેથી હજારો લોકો આ બ્રિજ પરથી અવરજવર કરે છે. આ વર્ષની શરૂઆતમાં થયેલી ચર્ચાને પગલે આ બ્રિજને હવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એમએમઆરડીએ, મુંબઈ ટ્રાફિક પોલીસ અને મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆરઆઈડીસી) સહિતની મુખ્ય સરકારી એજન્સીઓ એલિવેટેડ સેવરી-વર્લી કનેક્ટર પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે મળી હતી. એલ્ફિન્સ્ટન બ્રિજ આ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માટે તેને સમયસર બદલવાની જરૂર ઊભી થઇ છે.
અધિકારીઓએ કહે છે કે લોકોને ઓછી તકલીફ પડે તે માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન યોજનાઓ અને વૈકલ્પિક માર્ગો અગાઉથી જાહેર કરવામાં આવશે. બ્રિજ બંધ થાય તે દરમિયાન મુસાફરોને અસુવિધા ન થાય તે માટે રહેવાસીઓ (Mumbai) અને રોજિંદા મુસાફરોને સત્તાવાર સૂચનાઓ પર અપડેટ રહેવા વિનંતી કરવામાં આવી છે. એલ્ફિન્સ્ટન બ્રિજ એ મુંબઈમાં બંધ થનારા આયકોનિક બ્રિજમાંનો પાંચમો પુલ છે. આ પહેલાં સાયન આરઓબી, કર્ણાક બ્રિજ, બેલાસિસ બ્રિજ અને રે રોડ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો.