ભિવંડી નજીક રૉન્ગ સાઇડથી આ‍વનાર ટ્રકે પાછળથી મારી ટક્કર

28 January, 2020 07:21 AM IST  |  Mumbai

ભિવંડી નજીક રૉન્ગ સાઇડથી આ‍વનાર ટ્રકે પાછળથી મારી ટક્કર

ઈજાગ્રસ્ત આચાર્ય મલયકીર્તિ સુરીશ્વરજીને આશીર્વાદ આપતા આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી અને સાથે ચરિત્રય વલ્લભ સુરિશ્વરજી.

આસનગાંવ નજીક ગઈ કાલે કાંદલીથી ભિવંડી તરફ વિહાર કરતા પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબના શિષ્ય આચાર્ય મલય કીર્તિ સૂરીશ્વરજી મહારાજસાહેબ, મુની સંયમ કીર્તિ  વિજય અને ભિવંડી વિહાર સેવા ગ્રુપના લકીશ જૈનને રૉન્ગ સાઇડથી આવતી ટ્રકે અડફેટે લીધા હતા જેમાં ભિવંડીના ગોકુલ નગરમાં રહેતો ૨૧વર્ષનો લકીશ જૈન મૃત્યુ પામ્યો હતો. આચાર્ય મહારાજને હેડ ઇન્જરી થઈ હતી અને ગુરુ મહારાજની વ્હીલચૅર ચલાવતા સંયમ કીર્તિ વિજયને પગમાં વાગ્યું હતું.

ભિવંડી વિહાર સેવા ગ્રુપના અધ્યક્ષ હસમુખ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડાપાંચ વાગ્યે આચાર્ય મહારાજ સહિત ૧૧ સાધુ-મહાત્માએ વાસિંદથી વિહાર શરૂ કર્યો હતો.  તેઓની સહાય અને સુરક્ષા અર્થે અમારા ગ્રુપના પાંચ યુવાનો ભિવંડીથી કાંદલી પહોંચી ગયા હતા. એકાદ કલાક ચાલ્યા પછી ખડવલી પાસે રૉન્ગ સાઇડથી ધસમસતી આવતી ટ્રકે આ ત્રણેયને  પાછળથી ટક્કર મારી હતી. એથી મહારાજસાહેબની ડાબી બાજુએ ચાલતા લકીશને ખૂબ માર  લાગ્યો હતો. ઍક્સિડન્ટ થતાં જ લકીશ અને આચાર્ય મહારાજને ભિવંડીની સિરાજ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તરત જ લકીશને વૅન્ટિલેટર પર રાખ્યો હતો, પરંતુ શરીરના આંતરિક  ઑર્ગન્સમાં ગંભીર ઈજા થઈ હોવાથી લકીશનુ મૃત્યુ થયું હતું. આચાર્ય મહારાજ વ્હીલચૅર પરથી પડી ગયા હોવાથી માથામાં વાગ્યું હતું ત્યાં ટાંકા લેવડાવી તેઓને મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં ખસેડાયા હતા. વ્હીલચૅર ચલાવતા સાધુ મહારાજસાહેબનું પગનું ડ્રેસિંગ કરી હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી.’

જીવ ગુમાવનાર લકીશ જૈન

આચાર્ય મલય કીર્તિ સૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું  હતું કે ‘લકીશ ઢાલની જેમ મારી ડાબી બાજુએ ચાલતો હતો. જો તે થોડો પણ આગળ-પાછળ હોત તો ટ્રકની ટક્કર અમને લાગી હોત. અમારી સુરક્ષા કરતાં-કરતાં તે વીર વિહાર સૈનિક શહીદ થઈ ગયો.’ મૂળે રાજસ્થાનના ઝાડોલી ગામના લકીશને નાનપણથી જૈન ધર્મનો અનુરાગ હતો. દરરોજ બે ટાઇમ પ્રતિક્રમણ ને સેવાપૂજા કરતો તેમ જ ભિવંડીની નેમિનાથ પાઠશાળામાં અગ્રેસર હતો. એક વર્ષ પહેલાંથી તે મહારાજસાહેબની સેવા અર્થે વિહારમાં જતો હતો. આ ગ્રુપના રાહુલ જૈન ‘મિડ-ડે’ને કહે છે, ‘લકીશ જૉબ કરતો હોવા છતાં સવાર અને બપોર બેઉ ટાઇમ વિહારમાં જતો. તેને સંયમ લેવાનો ભાવ હતો. તે ધર્મનું ઘણું ભણ્યો હતો અને ખૂબ સ્વાધ્યાય કરતો. ગઈ કાલે સવારે વિહાર દરમ્યાન તેણે રિફ્લેક્ટિવ જૅકેટ પહેર્યું હતું અને હાથમાં ટૉર્ચ પણ હતી છતાં ટ્રક-ડ્રાઇવરને એ દેખાયું નહીં.

આ પણ વાંચો : હું નરકમાં જઈને પાછો આવ્યો: અશ્વિન ખાનોલકર

લકીશના પરિવારમાં મમ્મી-પપ્પા અને નાના ભાઈ-બહેન છે. આજે સવારે ભિવંડીના ગોકુલ નગરથી તેની સ્મશાનયાત્રા નીકળશે. ટક્કર મારી ટ્રક-ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. પડઘા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ લખાવાઈ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ મામલે તપાસ ચાલુ છે. હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.

bhiwandi mumbai mumbai news