હું નરકમાં જઈને પાછો આવ્યો: અશ્વિન ખાનોલકર

Published: Jan 28, 2020, 07:21 IST | Gaurav Sarkar | Mumbai

ડૉક્ટર મિત્રની સમયસરની સારવારે ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનરનો જીવ બચાવ્યો: ખાનોલકરે કહ્યું કે સુધરાઈના અધિકારીઓ ક્યારેય સ્વર્ગમાં જતા નથી : એમઆઇજી ક્લબમાં ૧૨ મિનિટ બૅડ્‌મિન્ટન રમ્યા બાદ ઢ‍ળી પડ્યા, ૨૦ મિનિટની સારવાર બાદ જીવમાં જીવ આવ્યો

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજિત દેસાઈ સાથે અશ્વિન ખાનોલકર
કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજિત દેસાઈ સાથે અશ્વિન ખાનોલકર

એક વખત મુંબઈ મહાનગરપલિકાના કડક ઑફિસરોમાં જેની ગણના થતી હતી એ અશ્વિન ખાનોલકર શનિવારે એમઆઇજી ક્લબમાં ૧૨ મિનિટ બૅડ્‌મિન્ટન રમ્યા બાદ થાક ઉતારતા બેઠા હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જોકે તેમના ફૅમિલી ડૉક્ટર અને મિત્ર એવા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજિત દેસાઈ પણ ત્યાં જ બૅડ્‌મિન્ટન રમી રહ્યા હતા, તેઓ તરત જ દોડી આવ્યા હતા. તેણે ખાનોલકરને તપાસતા ધબકારા નહોતા મળી રહ્યા એટલે તરત જ સીપીઆર(કાર્ડિયો પલ્મનરી રિસસાઇટેશન)ની ટેક્નિક વાપરી તેમને ૨૦ મિનિટ મસાજ કરતાં ખાનોલકરના ધબકારા ફરી શરૂ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને નજીકની એશિયન હાર્ટ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોંશમાં આવ્યા બાદ અશ્વિન ખાનોલકરે કહ્યું હતું કે હું નરકમાં જઈને પાછો આવ્યો.

ત્યારે તેમને પુછાયું કે સ્વર્ગમાં કેમ નહીં? તો હસતા હસતા તેમણે કહ્યું હતું કે અમે કૉર્પોરેશન (બીએમસી)ના માણસો, અમને લોકો ભ્રષ્ટાચારી જ સમજતા હોય છે અને એથી બહુ બધી ગાળો પણ ભાંડતા હોય છે. એથી વળી બીજું શું? ભલે આ વાત તેમણે હળવાશથી કહી પણ ૨૦ મિનિટ બાદ પાછા ધબકારા મળવા અને માણસ જીવી જાય એવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.

હાલ નિવૃત્ત જીવન ગા‍ળી રહેલા અશ્વિન ખાનોલકર એમઆઇજી ક્લબમાં મિત્રો સાથે અઠવાડિયામાં ત્રણ વાર બૅડ્‌મિન્ટન રમતા હોય છે. શનિવારે સાંજે પણ તેઓ તેમના મિત્ર યશ નાયર સાથે ૧૨ મિનિટ બૅડ્‌મિન્ટન રમ્યા હતા. ત્યાર બાદ થાક ખાવા ચૅર પર બેઠા હતા એ વખતે અન્ય એક અન્ય વ્યક્તિ સાથે વાત કરતાં કરતાં જ ઢળી પડ્યા હતા. નસીબજોગે એ વખતે તેમના મિત્ર અને ફૅમિલી ડૉક્ટર અજિત દેસાઈ પણ ત્યાં જ બૅડ્મિન્ટન રમી રહ્યા હતા. એ તરત જ દોડ્યા હતા અને ખાનોલકરને હાર્ટ અટૅક આવ્યો હોવાની જાણ થતાં તેમને સીપીઆર ટેક્નિકથી મસાજ કરવા માંડ્યા હતા. એટલું જ નહીં તેમણે તેમના કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર દીકરા અને પત્નીને પણ ઑટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રીલેટર (એઇડી)અને અમ્બુ બેગ સાથે બોલાવી લીધા હતા અને તેના વડે સારવાર આપવાનું ચાલુ કરી દીધું હતું. તેમની છાતી પર બે પેડ ગોઠવી તેમને શોક આપવાની પણ તૈયારી થઈ ગઈ હતી, પણ એ જ વખતે મસાજ અને અમ્બુ બેગ દ્વારા મોંમાં નળી મૂકી અપાતા શ્વાસોશ્વાસની ટેક્નિકને કારણે તેમના ધબકારા ફરી શરૂ થઈ જતાં શોક આપવો પડ્યો નહોતો.

૨૦ મિનિટ બાદ તેમના ધબકારા ફરી પાછા ચાલુ થયા હતા, આટલા લાંબા સમય બાદ ફરી ધબકારા ચાલુ થાય એવું ભાગ્યે જ બનતું હોય છે, એમ ડૉ. દેસાઈએ જણાવ્યું હતું. એશિયન હાર્ટ હૉસ્પિટલમાંથી જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં તો અશ્વિન ખાનોલકર પૂરા શુદ્ધિમાં આવી ચૂક્યા હતા. હવે તેમને વધુ સારવાર માટે જસલોક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
ડૉ. અજિત દેસાઈએ કહ્યું હતું કે થકવી નાખતી કસરતને કારણે શરીરમાં ઘણાબધા હોર્મોન્સ અને એલ્ડરીન છૂટા પડતા હોય છે. ક્યારેક કસરત કર્યાની થોડી વાર બાદ તેના કારણે હાર્ટબીટ ધબકારાની રિધમ ખોરવાઈ જતી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK