ભિવંડીમાં હજારો ઘરમાં પાણી ઘૂસ્યાં, વાશિંદમાં ૪૨ ગામડાંનો સંપર્ક કપાયો

28 July, 2019 11:42 AM IST  |  ભિવંડી

ભિવંડીમાં હજારો ઘરમાં પાણી ઘૂસ્યાં, વાશિંદમાં ૪૨ ગામડાંનો સંપર્ક કપાયો

ભિવંડીમાં હજારો ઘરમાં પાણી ઘૂસ્યાં

ભિવંડી શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ઈદગાહ, દર્ગા રોડ, ભુસાર મહોલ્લા, કલ્યાણ નાકા, ગોપાલનગર, પદ્‍માનગર, બંદર મહોલ્લા, નદી નાકા, ખાડીપાર, અંજુર ફાટા સહિત તાલુકાનાં હજારો ઘરોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયું છે.

નદીકાંઠા પરની ઝૂંપડપટ્ટીમાંના ૧૫૦૦ ઘરોમાં કામવારી નદીનાં પાણી ફરી વળતાં અહીંના ૫૦,૦૦૦ જેટલા લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે. વિકટ પરિસ્થિતિમાં ભિવંડી નગરપાલિકા અને ઇમર્જન્સી યંત્રણા નકામી ઠરતાં કોઈ મદદ ન મળતાં નાગરિકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

કલ્યાણ-કસારા માર્ગ પરના વા‌શિંદ રેલવે સ્ટેશન નજીકનું નાળું પાણીમાં ગરકાવ થઈ જવાથી વાશિંદ સહિત આસપાસનાં ૪૨ ગામાંઓનો સંપર્ક કપાઈ ગયો છે. ગેરસે, કોસલા, કાકારપાડા, પલસોલી, શેરે, અંબરજે, ઉશીદ, હલ, ફળેગાવ, દહાગાવ, ખાતીવલી, વાશિંદ, ભાતસાઈ સહિતનાં ગામડાંઓમાં પાણી ભરાઈ ગયાં છે. રેલવેના નાળાનું વરસાદનું પાણી મોડી રાત સુધી ઓછું નહોતું થયું. વાશિંદ પૂર્વ અને પશ્ચિમને જોડતું રેલવેનું નાળું આસપાસનાં ૪૨ ગામડાંઓને જોડતું એકમાત્ર નાળું છે. રેલવે તંત્રએ ૨૩ વર્ષથી પૂર્વથી પશ્ચિમ જવા માટેનો રેલવેનો ગેટ બંધ કર્યો હોવાથી ગામના લોકો માટે નાળું જ એકમાત્ર પર્યાય છે. વાશિંદમાં ફ્લાયઓવરને મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરાયું છે, પણ એ મંદ ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકોને ચોમાસામાં ભારે હાડમારી વેઠવી પડી રહી છે.

bhiwandi mumbai