ભયાનક ગિરદીને લીધે લોકલમાંથી પટકાયેલો ગુજરાતી યુવાન આઇસીયુમાં

25 January, 2020 07:48 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ભયાનક ગિરદીને લીધે લોકલમાંથી પટકાયેલો ગુજરાતી યુવાન આઇસીયુમાં

ચાલતી ટ્રેનમાંથી પડેલો મીરા રોડનો ગુજરાતી કૉલેજિયન કરણ કમલેશ જાજોતર.

મીરા રોડથી દહિસર વચ્ચે ચાલતી લોકલ ટ્રેનમાંથી પ્રવાસી પડી જવાની વધુ એક ઘટના ગઈ કાલે સવારે બની હતી. મીરા રોડમાં રહેતો ૧૯ વર્ષનો ગુજરાતી કૉલેજિયન ચિક્કાર ગિરદીમાં મીરા રોડથી ચડ્યા બાદ અંદરના ભાગમાં જવાના પ્રયાસમાં ચાલતી ટ્રેનમાંથી પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો છે. તાત્કાલિક ધોરણે તેને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. સદ્નસીબે એ કૉલેજિયન યુવક રેલવેના પાટાને અડીને આવેલા મૅન્ગ્રોવ્ઝની ઝાડીમાં પટકાતાં તેને વધારે ઈજા નથી પહોંચી. સવારના ધસારાના સમયે આવી રીતે લોકલ ટ્રેનમાંથી પડવાથી અસંખ્ય લોકોના જીવ ગયા છે, કારણ કે મીરા રોડથી બોરીવલી જવા માટે ટ્રેન સિવાય જૂજ બસો જ પર્યાયરૂપે ઉપલબ્ધ છે એટલે મીરા રોડના લોકોએ નાછૂટકે ચિક્કાર ગિરદીમાં મુસાફરી કરવી પડે છે.

મીરા રોડમાં શાંતિનગરના સેક્ટર-૧૦માં આવેલા સી-૪૪ નંબરના બિલ્ડિંગમાં રહેતો કરણ કમલેશ જાજોતર કાંદિવલીમાં આવેલી બાલભારતી કૉલેજમાં એસવાયબીકૉમમાં ભણે છે. ગઈ કાલે સવારે તે મુંબઈ તરફ જવા માટે ઘરેથી નીકળીને મીરા રોડ સ્ટેશને પહોંચ્યો હતો. આઠથી સવાઆઠ વાગ્યાની વાગ્યેની ચાર નંબર પર આવેલી ટ્રેનમાં ચડ્યા બાદ કરણ મીરા રોડ અને દહિસર વચ્ચે ચાલતી ટ્રેનમાંથી ફંગોળાઈને રેલવેના ટ્રૅક પાસેના મૅન્ગ્રોવ્ઝની ઝાડીમાં પડ્યો હતો.

એ જ ટ્રેનમાં પાછળના ડબામાંથી કોઈકે રેલવે-પોલીસને જાણ કરતાં મીરા રોડથી સ્ટેશનના સ્ટાફ સાથે પોલીસે ઘટનાસ્થળથી કરણને જખમી હાલતમાં મીરા રોડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો.

મૂળ અમરેલી જિલ્લાના ખાંભા પાસેના વતની અને જ્ઞાતિએ પ્રજાપતિ વાટલિયા કરણના પપ્પા કમલેશ જાજોતર ગોરેગામની એક ડાયમન્ડ કંપનીમાં હીરા ઘસે છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કરણ બાલભારતી કૉલેજમાં એસવાયબીકૉમમાં ભણે છે. તે ભણવાની સાથે સાઇડમાં જૉબ કરવા માગતો હોવાથી બે દિવસથી ઇન્ટરવ્યુ આપી રહ્યો છે. ગઈ કાલે પણ એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જતો હતો ત્યારે ટ્રેનમાંથી પડીને તે ગંભીર જખમી થયો હોવાનો કૉલ મને આવ્યો હતો. અત્યારે તે આઇસીયુમાં ઍડ્મિટ છે. જોકે તે ખતરાથી બહાર છે, પણ ડૉક્ટરોએ તેને ૨૪ કલાક ઑવ્ઝર્વેશનમાં રાખ્યો છે.’

આ પણ વાંચો : કોરોના વાઇરસ મુંબઈ પહોંચ્યો?

સવારે ૭થી ૧૧ વાગ્યા સુધી મીરા રોડથી બોરીવલી કે મુંબઈ તરફ ટ્રેનમાં દરરોજ હજારો લોકો જીવના જોખમે મુસાફરી કરે છે, કારણ કે ટ્રેન જેવો અન્ય ઝડપી વિકલ્પ નથી. મીરા રોડથી બેસ્ટની બસોની ફ્રિક્વન્સી પણ બહુ ઓછી હોવાથી લોકોએ નાછૂટકે જોખમી મુસાફરી કરવી પડે છે અને કરણ જાજોતરની જેમ અકસ્માતનો ભોગ બને છે.

mumbai mumbai local train mumbai news mira road indian railways western railway prakash bambhrolia