રેલવે પ્રવાસીઓના સામાનનો વીમો ઉતરાવો ને જીવ બચાવો

11 June, 2021 08:01 AM IST  |  Mumbai | Mehul Jethva

દસ દિવસ પહેલાં મોબાઇલ ચોરને પકડવા જતાં લોકલ ટ્રેનમાંથી પડીને વિદ્યા પાટીલનું મોત થયું એ ઘટના પછી જીઆરપી કમિશનર પ્રવાસીઓના જાન બચાવવા તેમના સામાનનો ઇન્શ્યૉરન્સ ઉતારવાની ડિમાન્ડ કરવાના છે : હા, આના માટે ટિકિટભાડું વધુ લેવાનું પણ છે તેમનું સૂચન

લોકલ ટ્રેનમાં સફર કરતા પ્રવાસીઓ

લોકલ ટ્રેનોમાં ખાસ કરીને મહિલા પ્રવાસીઓ પર હુમલો કરીને તેમને લૂંટી લેવાના ઘણા બનાવ બનતા હોય છે. હજી દસ દિવસ પહેલાં જ વિદ્યા પાટીલ નામની ૩૫ વર્ષની મહિલાનું મોબાઇલ ચોરને પકડવા જતાં ટ્રેનમાંથી પડી જવાને લીધે મૃત્યુ થયું હતું. સેન્ટ્રલ રેલવેના કલવા સ્ટેશને બનેલા આ બનાવમાં આરોપી વિદ્યા પાટીલનો મોબાઇલ લઈને ભાગી રહ્યો હતો ત્યારે તેને પકડવાના ચક્કરમાં તેનું બૅલૅન્સ ગયું હતું અને ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જવાથી મૃત્યુ થયું હતું.

જોકે આ ઘટનાની ગંભીર નોંધ લઈને ગવર્નમેન્ટ રેલવે પોલીસના કમિશનરે રેલવે બોર્ડના ચૅરમૅનને એથિક પત્ર લખ્યો છે જે આજે ડિસ્પેચ કરવામાં આવશે. આ લેટરમાં તેમણે કહ્યું છે કે લોકલમાં પ્રવાસ કરતા ૮૦ લાખ પ્રવાસીઓ અને તેમના મોબાઇલ, લૅપટૉપ જેવા મહત્ત્વના સામાનનો વીમો ઉતારવો જોઈએ અને આ માટે જરૂર જણાય તો ‌ટિકિટદીઠ એકાદ-બે રૂપિયા વધારી દેવા જોઈએ. લોકોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા આવા પગલાનો લોકો વિરોધ નહીં કરે એવું તેમનું માનવું છે. આ પ્રપોઝલ પાછળનું કારણ સમજાવતાં જીઆરપીના કમિશનર કૈસર ખાલીદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તો બને ત્યાં સુધી ટ્રેનોમાં ચોરી કરનારાઓને પકડવાની કોશિશ કરીએ છીએ અને એના માટે જે પણ પગલાં લેવાં પડે એ લઈએ છીએ. આમ છતાં જો લોકોને ખબર હશે કે તેમના કીમતી સામાનનો વીમો કાઢવામાં આવ્યો છે તો તેઓ ચોરને પકડવામાં પોતાનો જીવ જોખમમાં નહીં નાખે. આ રીતે આપણે ફક્ત એક-બે રૂપિયા વધારે લઈને લોકોનો જીવ બચાવી શકીશું. અમે રેલવે બોર્ડના ચૅરમૅનને આ બાબતે આજે પત્ર ડિસ્પેચ કરી રહ્યા છીએ અને મને આશા છે કે તેઓ આ મુદ્દાને સકારાત્મકતાથી લેશે.’

વિદ્યા પાટીલના કેસમાં મોબાઇલ પાછો મેળવવામાં તેનો જીવ પણ ગયો અને ગુનેગારને પકડવાના ચક્કરમાં આ દુર્ઘટના થઈ હોવાથી તેના પરિવારજનોને રેલવે તરફથી ઇન્શ્યૉરન્સનું વળતર પણ નહીં મળે. આ બધું ધ્યાનમાં રાખીને આ લેટર તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આત્મહત્યાના કિસ્સામાં કોઈ વળતર આપવામાં નથી આવતું.

જીઆરપીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અત્યારે ટ્રેનમાં ગિરદી હોવાને લીધે પીક-અવર્સ દરમ્યાન લોકોએ નાછૂટકે ટ્રેનના ગેટ પર ઊભા રહેવું પડે છે અને ઘણી જગ્યાએ ફટકા ગૅન્ગ આ પ્રવાસીઓનો કીમતી સામાન ફટકો મારીને ઝૂંટવી લેતી હોય છે. અમુક કિસ્સામાં આ કીમતી વસ્તુઓ બચાવવાના ચક્કરમાં પ્રવાસીઓનો જીવ જતો હોય છે. જો આવા સંજોગોમાં તેમને રેલવે તરફથી વળતરની આશા હોય તો ઘણા લોકોના જીવ બચી શકે છે.’

 જો લોકોને ખબર હશે કે તેમના કીમતી સામાનનો વીમો કાઢવામાં આવ્યો છે તો તેઓ ચોરને પકડવામાં પોતાનો જીવ જોખમમાં નહીં નાખે. આ રીતે આપણે લોકોનો જીવ બચાવી શકીશું.
કૈસર ખાલીદ,  જીઆરપી કમિશનર 

mumbai mumbai news indian railways central railway mumbai local train mehul jethva