મુંબઈ: રાજ્યપાલની પવાર સાથે ચાય પે ચર્ચા

26 May, 2020 07:31 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ: રાજ્યપાલની પવાર સાથે ચાય પે ચર્ચા

રાજ્યપાલની પવાર સાથે ચાય પે ચર્ચા

મહારાષ્ટ્ર સરકાર સાથે વિવિધ મુદ્દે સર્જાયેલા મતભેદોને પગલે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મહાવિકાસ આઘાડીના નિર્માણકર્તા શરદ પવારને સોમવારે રાજભવન બોલાવ્યા હતા. આ બેઠકની વિગતો જાહેર કરવામાં નહોતી આવી. એનસીપીએ આને બિનરાજકીય મુલાકાત ગણાવી હતી અને રાજભવને પણ આ મામલે મગનું નામ મરી પાડ્યું નહોતું.

જોકે એક રાજકીય નિરીક્ષકે જણાવ્યું હતું કે આ મુલાકાત પાછળનો હેતુ પવારને એ જણાવવાનો હોઈ શકે કે મહામારીના નિયંત્રણનાં પગલાંઓને સુધારવા માટે પવારની દરમ્યાનગીરી અત્યંત જરૂરી છે. અન્ય આશય પવારને સેનાના વડપણ હેઠળની સરકાર સાથે શરતી સમાધાન વિશે જણાવવાનો હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કોશ્યારીએ બીજેપીની અલ્પજીવી સરકાર પાસે શપથ લેવડાવ્યા ત્યારથી એમવીએને કોશ્યારી સાથે અણબનાવ ચાલી રહ્યો છે. એમાં રાજ્યપાલે સીએમ માટે એનસીપીના બે તથા અન્ય એક એમ લેજિસ્લેટિવ સભ્યપદનાં ત્રણ નામાંકનો નામંજૂર કરતાં સંબંધો વધુ વણસ્યા હતા. આ કટોકટીને પગલે એમવીએ સરકાર પડી ભાંગવાની સ્થિતિમાં આવી પડી હતી. આખરે બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે કડીરૂપ ભૂમિકા ભજવીને ઠાકરેએ બાજી બચાવી લીધી હતી.

રાણેએ કરી રાષ્ટ્રપતિ શાસનની માગ

પવારની મુલાકાતના ગણતરીના કલાકો બાદ ભૂતપૂર્વ સીએમ અને બીજેપીના નેતા નારાયણ રાણે કોશ્યારીને મળ્યા હતા, જેમણે કોવિડ-૧૯ મહામારીને અસરકારક રીતે નાથવા માટે ઉદ્ધવ ઠાકરેની સરકારને હટાવવાની અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી.

તેમણે રાજ્યપાલ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે ‘સીએમ અને તેમની સરકાર મુંબઈ તથા મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં મહામારીને નિયંત્રિત કરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યાં છે. આ સરકાર લોકોનું જીવન સરળ કરવાને બદલે માત્ર તાળાં લગાવવા વિશે જ વિચારે છે. વાસ્તવમાં સરકાર આવી કટોકટીમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવતી નથી. મેં રાજ્યપાલને સરકારના કાર્યદેખાવની સમીક્ષા કરવાની વિનંતી કરીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે.’

mumbai mumbai news sharad pawar narayan rane maharashtra