સરકારનો યુ ટર્ન : લૉકડાઉનના વીજબિલમાં કોઈ માફી નહીં મળે

18 November, 2020 07:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સરકારનો યુ ટર્ન : લૉકડાઉનના વીજબિલમાં કોઈ માફી નહીં મળે

ફાઈલ તસવીર

લૉકડાઉનમાં લોકોને વીજળીના સામાન્ય કરતાં વધારે બિલ મળવાની સમસ્યા બાબતે અનેક વખત આ મામલે રાહત આપવાની જાહેરાત કરાયા બાદ ગઈ કાલે ઊર્જાપ્રધાન નીતિન રાઉતે યુ ટર્ન લીધો હતો. તેમણે કહ્યું હતું કે વીજળી કંપનીના ગ્રાહકોને આ બાબતે સુવિધા આપવાનું અશક્ય છે. સરકારના આ નિર્ણય સામે વિરોધીઓએ સવાલ કર્યો હતો કે જ્યારે તેઓ વિરોધ પક્ષમાં હતા ત્યારે મોટા ઉપાડે દુષ્કાળ અને પૂરની સ્થિતિમાં બધાને વીજળીના બિલમાં ૧૦૦ ટકા રાહતની માગણી કરતા હતા. હવે જ્યારે સત્તામાં છો ત્યારે કેમ બોલતી બંધ

ઉર્જા પ્રધાન નીતિન રાઉત.

લૉકડાઉનના સમયમાં લગભગ તમામ વીજળી પૂરી પાડતી કંપનીના વીજળીનાં બિલ વધારે આવતાં લોકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. કોરોનામાં બધું બંધ હોવાથી કામકાજ ન હોવાથી ચારથી પાંચ ગણા વીજળીના બિલ વીજ કંપનીઓએ મોકલતાં લોકોએ રાજ્ય સરકાર સમક્ષ આમાં રાહત આપવાની માગણી કરી હતી. સરકારે એકથી વધુ વખત આ બાબતે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું, જે ઠાલાં વચન નીવડ્યાં હોવાનું જણાય છે.

રાજ્યના ઊર્જાપ્રધાન નીતિન રાઉતે ગઈ કાલે જાહેરાત કરી હતી કે વીજળીના બિલમાં લોકોને રાહત આપવાનું અશક્ય છે. લોકોએ વીજળીનો વપરાશ કર્યો હોવાથી માફી નહીં મળે. બધાએ બિલ ભરવા જ પડશે. લોકોની જેમ અમે પણ વીજળી કંપનીના ગ્રાહક છીએ. વપરાશ કરતાં વધારે જેમને બીલ મળ્યું હશે અેની તપાસ ચાલુ છે, પણ જેમણે વીજળીનો વપરાશ કર્યો છે તેમણે બિલ ભરવા જ રહ્યા. આથી વીજળીના બીલમાં રાહત આપવાની શક્યતા નથી.

લાંબા સમય સુધી લોકોને વીજબિલમાં રાહતના આશ્વાસન આપ્યા બાદ હવે સરકારે આ બાબતે હાથ ઊંચા કરી લીધા હોવાથી લોકોને જોરદાર ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ પ્રધાન સદાભાઉ ખોતે સરકારની ટીકામાં કહ્યું હતું કે નીતિન રાઉત જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે દુષ્કાળ અને પૂરને લીધે થયેલા નુકસાન વખતે ૧૦૦ ટકા વીજબિલ માફીની માગણી ગળુ ફાડી-ફાડીને કરતા હતા. હવે તેઓ કેમ પાણીમાં બેસી ગયા? તમારું આવું વર્તન જનતા સાથે વિશ્વાસઘાત છે.

mumbai mumbai news uddhav thackeray nationalist congress party shiv sena diwali