પૉઝિટિવિટી + સ્પોર્ટ્સ + યોગ + મનોરંજન + દવા = કોરોનામુક્તિ

06 May, 2021 09:29 AM IST  |  Mumbai | Diwakar Sharma

આ મંત્રને અમલમાં મૂકીને ગોરેગામનું આઇસોલેશન સેન્ટર કરી રહ્યું છે કોરોનાના દરદીઓની સારવાર

દરદીઓને મનોરંજન, રમતગમત અને લાફટર થૅરપીમાં વ્યસ્ત રાખીને સારવાર આપવામાં આવે છે.

કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દરદીઓની માનસિક સ્થિતિ વર્ણવી ન શકાય એવી હોય છે. ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે વધતા મૃત્યુદરને કારણે કોવિડ પૉઝિટિવ દરદીઓનો આત્મવિશ્વાસ ડગી જાય છે.

જોકે ગોરેગામ (વેસ્ટ)ના મીઠાનગર વિસ્તારમાં આવેલા કોવિડ કૅર સેન્ટરમાં પરિસરની અંદર હાથ ધરાતી મનોરંજનની તથા રમતગમતની પ્રવૃત્તિઓને કારણે કોરોના પૉઝિટિવ દરદીઓમાં ઉત્સાહનો સંચાર થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાનું શ્રેય સેન્ટરનાં ઇન્ચાર્જ ડૉ. કુસુમ ગુપ્તાને જાય છે.

ડૉ. કુસુમ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોવિડ કૅર સેન્ટર મૂળ સરકારી સ્કૂલ હોવાથી એનું સંકુલ વિશાળ છે. આથી મનોરંજન, રમત-ગમતની પ્રવૃત્તિઓ અને લાફ્ટર થેરપી માટે એના વિશાળ મેદાનનો ઉપયોગ કરવામાં આવે છે જે દરદીઓની ઝડપી રિકવરી માટે મદદરૂપ નીવડે છે.’

બૅડ્‍‍મિન્ટન સહિતની રમતગમતની વસ્તુઓ સ્થાનિક નગરસેવિકા શ્રીકલા પિલ્લઈ તરફથી આપવામાં આવી છે.

ડૉ. કુસુમ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ‘આ કોવિડ કૅર સેન્ટરની ક્ષમતા આશરે ૧૬૫ દરદીઓની છે અને હાલમાં અહીં કોરોનાના ૬૦ પૉઝિટિવ દરદી છે. મોટા ભાગના દરદીઓને મોતનો ભય સતાવતો હોય છે. આથી અમે મુખ્યત્વે તેમનામાંથી ભયનું આ તત્ત્વ દૂર કરવા પર ધ્યાન આપીએ છીએ અને આ ત્યારે જ શક્ય બને જ્યારે અમે તેમને વ્યસ્ત રાખીએ.’ 

અહીં રમત-ગમતનાં સાધનો સ્થાનિક કૉર્પોરેટર શ્રીકલા પિલ્લઇ દ્વારા પૂરાં પાડવામાં આવ્યાં છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દિવસ હું કોવિડ સેન્ટરની વ્યવસ્થા જોવા માટે ત્યાં ગઈ હતી. ત્યાં મેં દરદીઓને સુસ્ત બેઠેલા જોયા. આથી તેમને દિવસભર વ્યસ્ત રાખવા માટે મેં ક્રિકેટ બૅટ, ફુટબૉલ, બૅડ્મિન્ટનનાં સાધનો, લુડો, ચેસ જેવી ચીજો ડોનેટ કરી. ઉપરાંત તેમની સાથે ગુડીપાડવો ઊજવવા પણ હું ગઈ અને દરદીઓને ઘર જેવો અનુભવ થયો.’

ગુડીપાડવાની ઉજવણી નિમિત્તે તમામ વયનાં મહિલા અને પુરુષ દરદીઓ સંગીતના તાલે ઝૂમ્યાં હતાં અને સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણી હતી.

ડૉ. કુસુમ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ‘લાફ્ટર ક્લાસિસ, યોગ, કાઉન્સેલિંગ અને શ્વાસોચ્છવાસની એક્સરસાઇઝ સેન્ટરના દરદીઓના સાજા થવામાં ઘણી ઉપયોગી નીવડી રહી છે. સેન્ટર પર દરેક દરદીનાં ત્રણ મેડિકલ ચેક-અપ હાથ ધરવામાં આવે છે. અમારા આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના હલકાં કે લક્ષણ વગરના દરદીઓને રાખવામાં આવે છે.’

mumbai mumbai news goregaon coronavirus covid19 diwakar sharma