એમએમઆરડીએ મેટ્રો સ્ટેશન બનાવવા 500થી વધુ વૃક્ષો કાપશે?

11 March, 2020 09:31 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

એમએમઆરડીએ મેટ્રો સ્ટેશન બનાવવા 500થી વધુ વૃક્ષો કાપશે?

કુર્લા ડેરીનો વૃક્ષો સાથેનો હરિયાળો પરિસર

આરે કૉલોનીમાં મેટ્રો માટેનું કારશેડ ઊભું કરવા એમએમઆરડીએ દ્વારા અનેક ઝાડની કરાયેલી કતલનો ઇશ્યુ બહુ જ ગાજ્યો હતો. એના માટે આંદોલનો પણ થયાં હતાં અને આંદોલનકારી યુવાનો સામે પોલીસકેસ પણ નોંધાયા હતા. હવે એમએમઆરડીએએ મેટ્રોના સ્ટેશન માટે કુર્લા ડેરી (મધર ડેરી)ની જગ્યા હાંસલ કરી લીધી છે. એ જગ્યા મોટી હોવાથી એનો કેટલોક ભાગ પ્રાઇવેટ પાર્ટીને વેચાશે, બાકીનો કેટલોક ભાગ મેટ્રો સ્ટેશન માટે વપરાશે અને અન્ય કેટલોક ભાગ સામાજિક ઉદ્દેશ માટે રાખવાનું એમએમઆરડીએનું પ્લાનિંગ છે. પણ ફરી એક વખત આ નિર્ણય તેમના માટે બૂમરેંગ થઈ શકે એમ છે, કારણ કે કુર્લા ડેરીની એ જગ્યાના બે પાર્ટમાંથી એક પાર્ટમાં હાલમાં ૫૦૦ કરતાં વધુ વૃક્ષો છે, જ્યારે બીજા પાર્ટમાં પણ અનેક વૃક્ષો આવેલાં છે. પહેલા પાર્ટમાં ડેરી છે જ્યારે બીજા પાર્ટમાં કર્મચારીઓના ક્વૉર્ટર્સ આવેલાં છે.

આ બાબતે ‘મિડ-ડે’એ જ્યારે મુંબઈ મહાનગરપાલિકાના વૃક્ષ પ્રાધિકરણ ડિપાર્ટમેન્ટનાં મહિલા અધિકારી સંગીતા ડેરેનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘એમએમઆરડીએએ ડેરીની જગ્યાનાં વૃક્ષો કાપવા સંદર્ભે અમને પ્રસ્તાવ આપ્યો હતો. એથી મેં જાતે અન્ય અધિકારીઓ સાથે સાઇટ વિઝિટ કરી હતી અને જોયું હતું કે એ ડેરીના પરિસરમાં અનેક વૃક્ષો આવેલાં છે. એથી મેં ત્યાર બાદ એમએમઆરડીએને કહ્યું હતું કે જો અહીં જ સ્ટેશન બનશે તો બહુ બધાં વૃક્ષો કાપવા પડશે. શું તમે સ્ટેશન અન્ય જગ્યાએ ન ખસેડી શકો? તેમણે પણ એ વાત સમજી સ્ટેશન આગળ પાછળ ખસેડવાનો વિકલ્પ ચકાસાશે એમ જણાવ્યું છે.

આ પણ વાંચો : નંદુરબારમાં 13 પ્રવાસી સાથેની બોટ ઊંધી વળી : ત્રણનાં મૃત્યુ, ચાર લાપતા

એટલું જ નહીં, એમએમઆરડીએએ હજી એ પણ નક્કી નથી કર્યું કે ડેરીની જ જગ્યાએ મેટ્રોનું સ્ટેશન બનાવવું છે. એ પછી પણ જો એ જ જગ્યાએ તેઓ મેટ્રોનું સ્ટેશન બનાવવા માગતા હશે તો અમે તેમને કહીશું કે બની શકે એટલાં ઓછાં ઝાડ કપાય એ રીતે પ્લાનિંગ કરો જેથી કેટલાક ટકા ઝાડ બચી શકે. તેમણે ઝાડ કાપવા સંદર્ભે પ્રસ્તાવ આપ્યો છે ખરો, પણ હજી એના પર અમલીકરણ કર્યું નથી.’

ghatkopar mumbai mumbai news