31 May, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીલ રાંભિયા, પુરવ શેઠિયા અને ભવ્ય વિસરિયા, વિનીત પંચાલ
અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાત ટાઇટન્સ (GT) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાનારી ફાઇનલ મૅચ જોવા જવા માટે મુંબઈના ચાર ફ્રેન્ડ્સને રોમાંચભર્યો અનુભવ થયો છે. ફાઇનલની ટિકિટ મળી જશે એવા વિશ્વાસ સાથે અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવી હોવાથી પહેલા પ્રયાસમાં ઑનલાઇનમાં ટિકિટ નહીં મળતાં આ મિત્રો નિરાશ થઈ ગયા હતા, પરંતુ બીજા પ્રયાસમાં તેમને ફાઇનલ મૅચની ટિકિટ મળી જતાં તેમની ખુશીનો પાર રહ્યો નથી.
બેઠકક્ષમતામાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મૅચમાં RCBને ચિયર કરવા મુંબઈના ચાર ફ્રેન્ડ્સ અમદાવાદમાં હશે. દાદરમાં રહેતા ભવ્ય વિસરિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મારી સાથે ડોમ્બિવલીથી વિનીત પંચાલ, મુલુંડથી નીલ રાંભિયા અને અંધેરીથી પુરવ શેઠિયા ફાઇનલ મૅચ જોવા આવવાના છે. અમે ચારેય મિત્રો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)નો અભ્યાસ કરીએ છીએ અને ફાઇનલ મૅચમાં અમે RCBને સપોર્ટ કરવા જઈએ છીએ. હું RCB ટીમનો ફૅન છું અને ઇચ્છું છું કે RCB બીજી વાર કપ જીતે. આ ટીમમાં મારા ફેવરિટ ખેલાડી રજત પાટીદાર અને જૉશ હેઝલવુડ છે. RCBની ટીમ જ્યારે પણ મુંબઈમાં મૅચ રમવા આવે છે ત્યારે મૅચ જોવા જાઉં છું. અમે પહેલાંથી પ્લાન કર્યો હતો કે જો RCB ફાઇનલમાં આવશે તો એ મૅચ જોવા જઈશું. ટ્રેનની ટિકિટ અમે પહેલાંથી જ બુક કરાવી હતી પણ જ્યારે ફાઇનલ મૅચની ટિકિટ ઑનલાઇન ઓપન થઈ ત્યારે અમે બધા જ મિત્રો ટિકિટ બુક કરવા બેસી ગયા હતા. બે કલાકથી વધુ સમય સુધી રાહ જોઈ હતી, પરંતુ અમને ફાઇનલ મૅચની ટિકિટ ન મળી એટલે બધા મિત્રો નિરાશ થઈ ગયા હતા. જોકે બીજા દિવસે અમે ઑનલાઇન ટિકિટ મેળવવા માટે ટ્રાય કરી તો ટિકિટ મળી જતાં અમારી ખુશીનો પાર નહોતો રહ્યો.’
‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘હું પહેલી વાર IPLની ફાઇનલ મૅચ જોવા અમદાવાદ જાઉં છું. હું GTનો ચાહક છું અને ફાઇનલ મૅચમાં GTને સપોર્ટ કરીશ. હું ઇચ્છુ છું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વાર GT ચૅમ્પિયન બને. મારો ફેવરિટ ક્રિકેટર શુભમન ગિલ છે. તેણે આ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.’