મુંબઈ: ઘાટકોપરમાં નાળામાં પડી ગયેલા બાળકનો કોઈ અતોપતો નથી

12 June, 2020 08:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: ઘાટકોપરમાં નાળામાં પડી ગયેલા બાળકનો કોઈ અતોપતો નથી

બાળકની શોધખોળ કરતી ટીમ.

ઘાટકોપર-ઈસ્ટમાં સાવિત્રીબાઈ ફુલે નગરમાં ગુરુવારે સવારે ૧૧ વાગ્યે ૪ વર્ષનો એક બાળક નાળામાં પડી ગયો હતો, જેની શોધખોળ માટે નેવીના ડાઇવર્સ અને એનડીઆરએફની ટીમ કામે લાગી હતી અને કલાકો બાદ પણ આ બાળકનો પત્તો લાગ્યો નહોતો. પાલિકાની બેજવાબદારીને લીધે આ ઘટના બની હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

ઘાટકોપર-ઈસ્ટમાં સાવિત્રીબાઈ ફુલે નગરમાં રહેતો હુસેન હમીદ શેખ નાળા નજીક રમતો હતો ત્યારે સવારે ૧૧ વાગ્યે નાળામાં પડી ગયો હતો, જેની સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ બાળકને બચાવવા નાળામાં ઊતર્યા હતા, પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. થોડી વારમાં સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડ નાળામાં તેની શોધખોળ માટે કામે લાગ્યાં હતાં, પણ બે દિવસથી પડતા વરસાદને લીધે પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી બાળકનો કલાકો સુધી પત્તો લાગ્યો નહોતો.

ચીફ ફાયર ઑફિસર પ્રભાત રહાંગદળેએ જણાવ્યું હતું કે બપોરે ૧૨ વાગ્યે ફાયરબ્રિગેડને સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઘાટકોપરમાં ગલી નંબર-૬ના સાવિત્રીબાઈ ફુલે નગરમાં ૪ વર્ષનો એક છોકરો નાળામાં પડી ગયો છે. એ સ્થળ પંતનગર પોલીસ-સ્ટેશનની નજીક છે. ફાયરબ્રિગેડે પૂરની પ્રતિક્રિયા આપતી ટીમ દ્વારા દોરડા, જાળી, હૂક અને ઍન્કરની મદદથી સર્ચ ઑપરેશન કર્યું હતું, પણ ૬ કલાકના સર્ચ ઑપરેશન બાદ પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

સ્થાનિક નેતા પ્રવીણ છેડાએ જણાવ્યું કે ‘આ નાળાની નજીક દીવાલ બનાવવાનો ઑર્ડર પાલિકાએ ૨૦૧૫ના વર્ષમાં જ આપી દીધો હતો, પણ પાલિકાની બેજવાબદારીથી આ દીવાલ બની નહોતી જેને લીધે આજે ૪ વર્ષનો છોકરો નાળામાં પડી ગયો. જો પાલિકાએ સમયસર પોતાનું કામ કર્યું હોત તો આજે આ ઘટના ન બની હોત.’

પંતનગર પોલીસ-સ્ટે‍શનના એક અધિકારીએ જણાવ્યું કે ૬ કલાક બાદ પણ છોકરો ન મળતાં તે જીવતો હોવાનું હવે મુશ્કેલ લાગે છે. હાલમાં તેની શોધખાળ ચાલી રહી છે.

ghatkopar mumbai mumbai news mumbai police