Maharashtra: ભંડારાની હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, 10 નવજાત બાળકનું મોત

09 January, 2021 09:50 AM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: ભંડારાની હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, 10 નવજાત બાળકનું મોત

પ્રતીકાત્મક તસવીર તસવીર સૌજન્ય - મિડ-ડે

શુક્રવારે મોડીરાતે મહારાષ્ટ્રના ભંડારાની સરકારી હોસ્પિટલમાં આગ લાગતાં દસ નવજાત બાળકનાં દુ:ખદ અવસાન થયું છે. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વૉર્ડમાં 17 બાળકોને રાખવામાં આવ્યા હતા. નર્સે જ્યારે વૉર્ડમાંથી ધુમાડો નીકળતો જોયો ત્યારે તેને આ ઘટના વિશે ખબર પડી.

મળેલી જાણકારી અનુસાર હોસ્પિટલમાં આગ રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ લાગવાનું કારણ શૉર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલના સીક ન્યૂબૉર્ન કેટ યૂનિટ (SNCU)માં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત નીપજ્યાં હતા અને 7 બાળકોને બચાવવામાં આવ્યા હતા. આ વૉર્ડમાં એક દિવસથી લઈને 3 મહિના સુધીના બાળકોને રાખવામાં આવ્યા હતા. ધુમાડો નીકળતો જોઈને હોસ્પિટલની હાજર નર્સ જ્યાં સુધી વૉર્ડમાં પહોંચી ત્યા સુધી 10 બાળકો આગમાં સળગી ગયા હતા. જણાવી દઈએ કે આ વૉર્ડમાં ફક્ત તે જ બાળકોને રાખવામાં આવ્યા હતા, જેમની સ્થિતિ ઘણી નાજુક હોય છે અને જન્મ સમયે જેનું વજન ઘણું ઓછું હોય છે.

આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડની ગાડી પહોંચી ગઈ અને હોસ્પિટલના લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી ખબર પડી નથી. પરંતુ સૂત્ર જણાવી રહ્યા છે કે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. આ દુ:ખદ ઘટનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપે સાથે વાત કરી, આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ તપાસના આદેશ આપ્યા છે.

બાળકોના મોત પર રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ખૂબ જ દુ:ખદ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોના પ્રત્યે મારી સંવેદના. હું જનરલ સેક્રેટરીને અપીલ કરું છું કે ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય મદદ કરવામાં આવે.

mumbai mumbai news maharashtra