મુંબઈઃબિલ્ડિંગના 14મા માળે લાગેલી આગે લીધો 5નો ભોગ

28 December, 2018 07:37 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ

મુંબઈઃબિલ્ડિંગના 14મા માળે લાગેલી આગે લીધો 5નો ભોગ

14મા માળે લાગી હતી આગ

ચેમ્બુરના ટિળકનગરમાં આવેલી સરગમ સોસાયટી (બિલ્ડિંગ-નંબર ૩૫)ના અગિયારમા માળે ગઈ કાલે રાતે ૮.૨૦ વાગ્યે એક ફ્લૅટના ક્રિસમસ ડેકારેશનમાં આગ લાગી હતી. આ આગ ત્યાર પછી વિકરાળ બની હતી જેને લીધે ફ્લૅટના બે સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતાં. બ્લાસ્ટ થતાં થયેલા જોરદાર ધમાકાના અવાજથી સોસાયટીના ૬૦ પરિવારોએ તરત જ સોસાયટી ખાલી કરી નાખી હતી. આમ છતાં આ આગમાં બે ગુજરાતી અને એક જ પરિવારના ત્રણ સિનિયર સિટિઝનો સહિત કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને એક ફાયરમૅન અને સિનિયર સિટિઝન ગૂંગળામણ થવાથી બેભાન થઈ ગયા હતા.

અમે આગને વિકરાળ થતાં રોકી શક્યા હોત, પરંતુ અમને ઘટનાસ્થળે પહોંચવાની સમયસર જગ્યા જ મળી નહોતી એમ જણાવીને ફાયર-બ્રિગેડના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીની ગલીમાં અને સોસાયટીમાં વાહનોના થયેલા પાર્કિંગને લીધે અમારી પહેલી વૅન જગ્યા પર સમયસર પહોંચી શકી નહોતી. આગ અગિયારમા માળે લાગી હોવાથી અમારે ભાયખલાથી મોટી વૅન બોલાવી પડી હતી. મોટી વૅન ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેને જવા માટે ગલીમાં જગ્યા જ નહોતી જેને લીધે વૅનને સોસાયટી સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો હતો. એને કારણે આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. જે આગ ૨૦ મિનિટમાં બુઝાઈ જવી જોઈતી હતી એને બુઝાવતાં ફાયર-બ્રિગેડને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.

 

આગ વિશેની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગી ત્યારે અમને એવા સમાચાર મYયા હતા કે અગિયારમા માળના એક ફ્લૅટના ઍર-કન્ડિશનરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ત્યાર પછી આગે વિકરાળ સ્વરૂપ પકડતાં ફ્લૅટમાં રહેલાં બે સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયા હતા. આગની જ્વાળાઓ હવાને લીધે ખૂબ દૂર સુધી ફેલાઈ હતી અને એમાંથી તણખા ઝરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પડતા હતા. વિકરાળ આગને લીધે દસમા અને બારમા માળના ફ્લૅટોને પણ જબરદસ્ત નુકસાન થયું હતું. અમારી સોસાયટી હજી બે વર્ષ જૂની જ છે.’

 ટિળકનગરની બધી જ સોસાયટીઓમાં ફાયર-બ્રિગેડ પહોંચવાની જગ્યા નથી એવી માહિતી આપતાં ટિળકનગરના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીઓમાં વાહનો પાર્ક થયા પછી ફાયર-બ્રિગેડની વૅન જવા માટે જગ્યા જ બચતી નથી. ગઈ કાલની આગ પહેલાં પણ આ જ વિસ્તારમાં બેથી ત્રણ વાર શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી છે એ પણ નોંધનીય છે.’

 

મૃત્યુ પામેલી વ્યક્તિઓ 

રાજાવાડી હૉસ્પિટલનાં ડૉ. વિદ્યા ઠાકુરના જણાવ્યા મુજબ આ આગમાં સાત લોકોનાં મોત થયાં હતાં, જેમાંથી પાંચ લોકો હૉસ્પિટલમાં આવ્યા ત્યારે જ મૃત અવસ્થામાં હતા. એમાં ૭૨ વર્ષનાં સુનીતા જોશી, ૭૨ વર્ષના ભાલચંદ્ર જોશી, ૮૩ વર્ષનાં સુમન જોશી, બાવન વર્ષનાં સરલા ગંગર અને ૮૩ વર્ષનાં લક્ષ્મી ગંગરનાં મૃત્યુ થયાં હતાં. ૮૬ વર્ષના શ્રીનિવાસ જોશી ગૂંગળામણથી બેભાન થઈ ગયા હતા, જ્યારે એક ફાયરમૅન છગન સિંહને પણ જખમી અવસ્થામાં રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.

 

mumbai news