14 August, 2025 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં મીઠાઈ સાથે અન્ય ખાદ્ય પદાર્થની ડિમાન્ડ જોવા મળે છે ત્યારે કેટલાક કિસ્સામાં માવો, પનીર, ઘી, તેલ સહિતની વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ લોકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવા માટે તહેવારોમાં ખાસ નિરીક્ષણ-ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ વેચતા નાના-મોટા વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે. દરમ્યાન ખરાબ અથવા શંકાજનક લાગતા તમામ માલને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. FDAએ તમામ ખાદ્ય પદાર્થ વિક્રેતાને ગ્રાહકોને શુદ્ધ, સ્વચ્છ અને સારી ગુણવત્તાનો ખોરાક પૂરો પાડવાની અપીલ કરી છે. મુંબઈ FDAના જનસંપર્ક અધિકારી અશ્વિની રાંઝણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ ઑગસ્ટથી ૨૫ ઑક્ટોબર સુધી તહેવારો માટે ખાસ નિરીક્ષણ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. ગણેશોત્સવ, ઈદ, નવરાત્રિ, દશેરા, દિવાળી જેવા તહેવારો દરમ્યાન મીઠાઈ, મોદક, ફરાળ, પ્રસાદ જેવી ખાદ્ય ચીજોની ડિમાન્ડ મોટા પાયે વધે છે. આ વધતી ડિમાન્ડને કારણે કેટલાક ખાદ્ય વ્યવસાયીઓ અયોગ્ય અથવા ભેળસેળયુક્ત ખોરાક તૈયાર કરીને વેચતા હોય છે. તેથી નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે ખાદ્ય અને ઔષધ વહીવટ વિભાગ વતી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.’
લોકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ધોરણ અંગે કોઈ પણ ફરિયાદ હોય તો ટોલ-ફ્રી નંબર 1800-222-365 પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.