16 April, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્સોવા વિસ્તારના એક ઘરમાં છાપો મારીને મિક્સિંગ કરવામાં આવતું દૂધ FDAએ જપ્ત કર્યું હતું
મુંબઈમાં ગુટકા સામે અને દૂધમાં થતી ભેળસેળ રોકવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. પહેલીથી ૧૫ એપ્રિલ દરમ્યાન મુંબઈનાં પચીસથી વધુ સ્થળોએ દરોડા પાડીને આશરે ૨૦ લાખ રૂપિયાના પ્રતિબંધિત ગુટકા જપ્ત કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમ્યાન કુલ ૧૬ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને વિવિધ પોલીસ-સ્ટેશનોમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. એની સાથે જ દૂધમાં થતી ભેળસેળ સામે પણ પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને ૩ કેસ નોંધવામાં આવ્યા છે. FDAના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી વધુ કડક રીતે અમલમાં મૂકવામાં આવશે જેથી લોકો સુધી સુરક્ષિત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો પહોંચે.
મુંબઈ FDAના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૨૦૧૫ની ૧૬ જુલાઈથી તમાકુ, ગુટકા અને પાનમસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ છે. આમ છતાં કેટલાક વેપારીઓ ગેરકાયદે રીતે આ વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. મુંબઈમાં થતું ગેરકાયદે વેચાણ અટકાવવા માટે ગુપ્ત સૂત્રોના આધારે વિવિધ જગ્યાએ પોલીસ સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભેળસેળયુક્ત દૂધ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્સોવા, મલાડ અને દહિસર વિસ્તારમાંથી હજારો લીટર ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈમાં સવારે બીજા જિલ્લામાંથી આવતા દૂધને તપાસવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.’